ધારાસભ્ય કેતન ઇનામદાર અને જીતુ વાઘાણી વચ્ચે બેઠક પૂર્ણ થઇ છે, વડોદરાના સર્કિટ હાઉસમાં બેઠક યોજાઇ હતી…
વડોદરામાં ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપ એક્શનમાં આવી હતી…
વડોદરા : અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું. ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું ધારાસભ્ય પદેથી આપેલુ રાજીનામું પરત ખેંચી લીધુ છે. પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાની ફરિયાદ સાથેનો પત્ર લખીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેનાર કેતન ઇનામદાર સાથે ભાજપ પ્રદેશ પ્રમુખે 2 કલાક ચર્ચા કરીને કામમાં રહી ગયેલી ક્ષતિઓ દૂર કરવાની હૈયાધારણા આપતા અંતે કેતન ઇનામદારે પોતાનું રાજીનામુ પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાથી મધ્ય ગુજરાત ભાજપમાં મોટી અસર થઈ છે. ઈનામદારના સમર્થનમાં 300થી વધુ ભાજપના સભ્યોએ રાજીનામા ધરી દીધા. ધડાધડ રાજીનામા આપીને સરકાર અને સંગઠન પર પ્રેશર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રજાના કામો ન થતા હોવાની ફરિયાદ કરીને કેતન ઈનામદારે રાજીનામુ ધરી દેવાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઈનામદારના સમર્થનમાં સાવલી-ડેસર ભાજપના 300થી વધુ સભ્યોએ રાજીનામા ધરી દીધા.
સાવલીના ભાજપ તાલુકા પ્રમુખ મહિપત સિંહ રાણા સહિતના અગ્રણીઓએ પણ રાજીનામા આપ્યું છે. સાવલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ભાજપના મોટાભાગના સભ્યોએ રાજીનામા આપ્યા છે. ડેસર એપીએમસીના પ્રમુખ સહીત 14 ડીરેકટરોએ પણ રાજીનામા ધરી દીધા. તો બીજી બાજુ વડોદરા જિલ્લા પંચાયત તાલુકાના ચાર સભ્યોએ રાજીનામા આપ્યા. અને 40 જેટલા ગ્રામ પંચાયતોના સરપંચોએ પણ પોતાના રાજીનામા આપી દીધા છે.