નિરવ મોદીને સિંગાપોર હાઇકોર્ટે પણ બ્રિટિશ વર્જીન આઇલેન્ડમાં પેવેલિયન પોઇન્ટ કોર્પ કંપનીના ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો…
ન્યુ દિલ્હી,
કરોડોનું બેંક કૌભાંડ આચરી ફરાર થઇ જનારા કૌભાંડી નિરવ મોદી પર વધુ સકંજો કસાયો છે. પૂણે સ્થિત ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ એટલે કે ડીઆરટીએ નિરવ મોદી અને તેના સહયોગીઓને પંજાબ નેશનલ બેંકને વ્યાજ સાથે ૭ હજાર ૩૦૦ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ પહેલા નિરવ મોદીને સિંગાપોર હાઇકોર્ટે પણ બ્રિટિશ વર્જીન આઇલેન્ડમાં પેવેલિયન પોઇન્ટ કોર્પ કંપનીના ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો.
નિરવના બહેન-બનેવી મયંક મહેતા અને પૂર્વી મોદીના નામના આ એકાઉન્ટમાં ૪૪.૪૧ કરોડ રૂપિયા છે. કોર્ટે ઇડીના અનુરોધના બાદ આ આદેશ આપ્યો કે જેમાં જણાવાયું હતું કે આ ખાતામાં જમા થયેલી રકમ ગુનો આચરીને એકત્રિત કરાયેલી છે. આ ખાતામાં પીએનબી કૌભાંડની રકમને ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે.
મહત્વનું છે કે સ્વીત્ઝર્લેન્ડના અધિકારીઓએ ૨૭ જૂનના રોજ નિરવ અને તેની બહેનના ૪ સ્વિસ એકાઉન્ટની લેવડદેવડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભારતમાં નિરવ મોદી વિરૂદ્ધ ચાલી રહેલા મનિ લોન્ડરિંગ કેસ મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.