તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ પણ ના.મુખ્યમંત્રીના શપથ લીધા
બિહારમાં નીતિશ સરકારના મંત્રીમંડળમાં ખાતાઓની ફાળવણીઃ મુખ્યમંત્રીએ ગૃહ, સામાન્ય પ્રશાસન, વિજિલન્સ સહિતના ફાળવેલા ખાતા પાસે રાખ્યા, તારકિશોરને નાણાં વિભાગની જવાબદારી સોંપી
મુખ્યમંત્રીની સાથે ભાજપના-૭, જેડીયુના ૫ અને હમ-વીઆઇપીએના એક-એકમંત્રીએ પણ શપથગ્રહણ કર્યા, એનડીએમાંથી કુલ ૧૪ મંત્રીઓનો સમાવેશ
બિહારમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવા માટે ૨૩ નવેમ્બરે નવી વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાશે
પટના : બિહારમાં નીતિશ કુમારની આગેવાનીમાં સોમવારના એકવાર ફરી નવી સરકાર બની ગઈ. સોમવાર સાંજે ૪.૩૦ વાગ્યે રાજભવનમાં શપથ ગ્રહણ સમારંભ થયો. રાજ્યપાલ ફાગૂ ચૌહાણે નીતિશ કુમારને નવા મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવરાવ્યા. નીતિશ કુમાર સાતમી વાર બિહારના સીએમ બન્યા છે. નીતિશ કુમારની સાથે તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ પણ શપથ લીધા. બંનેએ ડેપ્યૂટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. બીજેપી તરફથી ૭, જેડીયૂ તરફથી ૫, હમ-વીઆઇપી તરફથી એક-એક મંત્રીએ શપથ લીધા છે. કૉંગ્રેસ અને આરજેડીએ શપથગ્રહણ સમારંભનો બહિષ્કાર કર્યો. હવે બિહારમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવાની છે. ૨૩ નવેમ્બરે બિહારની નવી વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાશે.
નીતિશના શપથ ગ્રહણમાં જાતિ સંતુલન બનાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો. દરભંગાની જાલે વિધાનસભા સીટથી જીવેશ મિશ્રા (બ્રાહ્મણ), મુઝફ્ફરપુરની ઔરાઈ સીટથી ધારાસભ્ય રામસૂરત રાય (યાદવ), મધુબની જિલ્લાની રાજનગર સીટથી ધારાસભ્ય રામપ્રીત પાસવાન (દુસાધ), આરા વિધાનસભા સીટથી ધારાસભ્ય અમરેન્દ્ર પ્રતાપ (ક્ષત્રિય), બેતિયાથી ધારાસભ્ય રેણુ દેવી (નોનિયા), કટિહારથી તારકિશોર પ્રસાદ (વાણિયા) અને એમએલસીથી મંગલ પાંડે (બ્રાહ્મણ)એ મંત્રી પદના શપથ લીધા.
આ ઉપરાંત જેડીયૂના વિજય ચૌધરીએ મંત્રી પદના શપથ લીધા. તેઓ ગત સરકારમાં વિધાનસભા સ્પીકર હતા. આ વખતે સરાયરંજન સીટથી તેઓ જીત્યા છે. જેડીયૂના વિજેન્દ્ર પ્રસાદ યાદવે પણ શપથ લીધા. તેમણે સુપૌલ સીટ પરથી જીત મેળવી હતી. ગત સરકારમાં તેઓ વીજળી વિભાગના મંત્રી હતા. આ ઉપરાંત જેડીયૂ તરફથી મેવાલાલ ચૌધરી અને શીલા મંડલે પણ મંત્રી પદના શપથ લીધા છે. ઉલ્લેખનીય છે કે જેડીયૂ તરફથી ૫ નેતાઓએ શપથ લીધા છે. હમ તરફથી જીતન રામ માંઝીના દીકરા સંતોષ સુમને મંત્રી પદના શપથ લીધા છે.
શપથ લીધા બાદ આજે તેમણે ખાતાંની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાની પાસે ગૃહ, સામાન્ય વહીવટ, વિજિલન્સ સહિતનાં ખાતાં રાખ્યાં છે, જ્યારે ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદને નાણાં વિભાગ, કોમર્શિયલ ટેક્સ, પર્યાવરણ અને વન મંત્રાલય, શહેરી વિકાસ અને માહિતી ટેક્નોલોજી વિભાગ સોંપવામાં આવ્યાં છે.
જ્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી રેણુ દેવીને પંચાયતી રાજ, પછાત જાતિના ઉત્કર્ષ અને ઇબીસી કલ્યાણ સાથે ઉદ્યોગ મંત્રાલય મળ્યું છે. વિજય ચૌધરીને જળ સંસાધન, ગામ વિકાસ વિભાગ, સૂચના અને પ્રસારણ અને સંસદીય કાર્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. બિજેન્દ્ર યાદવને ઊર્જાની સાથે નિષેધ, આયોજન અને ખોરાક અને ગ્રાહક બાબતોનું મંત્રાલય મળ્યું છે.
અશોક ચૌધરીને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, સમાજ કલ્યાણ, સાયન્સ ટેકનોલોજી સાથે લઘુમતી કલ્યાણ વિભાગ આપવામાં આવ્યા છે. મેવાલાલ ચૌધરીને શિક્ષણ મંત્રાલય મળ્યું છે. શીલા કુમારને પરિવહન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. સંતોષ માંજીને અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ વિભાગની જવાબદારી આપવામાં આવી છે, જ્યારે મુકેશ સાહનીને પશુપાલન અને મત્સ્યઉદ્યોગ મંત્રાલય મળ્યું છે.
ભાજપના કોટાના પ્રધાન મંગલ પાંડેના કદમાં વધારો થયો છે. તેમને આરોગ્યની સાથે સાથે માર્ગ મકાન અને કલા અને સંસ્કૃતિ મંત્રાલયની જવાબદારી પણ મળી છે. અમરેન્દ્રસિંહ, કૃષિ સહકારી અને શેરડી વિભાગનો હવાલો મળ્યો છે. રામપ્રીત પાસવાનને પીએચઈડી વિભાગ મળ્યો છે. જીવેશ કુમારને પર્યટન, શ્રમ અને ખાણકામ વિભાગ મળ્યો છે. રામસૂરતને મહેસૂલ અને કાયદા મંત્રાલયની જવાબદારી મળી છે.