અલ્હાબાદ : ઉત્તર પ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટે એક યુગલને લઇને આપેલા ચુકાદામાં કહ્યું છે કે જો પતિ સગીર વયનો હોય તો પુખ્ત વયની પત્નીની સાથે ન રહી શકે. સગીર વયના પતિને પુખ્ત વયની પત્નીને સોપવો પોક્સો કાયદા અંતર્ગત અપરાધ ગણાશે.
અલ્લાહાબાદ કોર્ટમાં ૧૬ વર્ષીય સગીરની માતાએ અરજી કરી હતી અને પોતાના પુત્રની કસ્ટડી માગી હતી. જોકે આ યુવકે માતાની સાથે રહેવાની ના પાડી દીધી હતી અને પત્ની સાથે રહેવાની જીદ પકડી હતી.
હાઇકોર્ટે આ કેસમાં નોંધ્યું કે બન્નેની વય પુખ્ત હોવી જરૂરી છે તો જ પતિ પત્ની તરીકે સાથે રહી શકે છે. જો બેમાંથી કોઇ એક સગીર હોય અને પતિ પત્ની તરીકે સાથે રહે તો તે પોક્સો અને લગ્નના કાયદા અંતર્ગત અપરાધ ગણાશે.
બીજી તરફ યુવકે માતાની સાથે રહેવાની ના પાડી દીધી છે જ્યારે કાયદો પત્ની સાથે રહેવાની મંજૂરી નથી આપતો તેથી હાઇકોર્ટે વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો, અને સરકારને આદેશ આપ્યો હતો કે આ યુવક જ્યાં સુધી પુખ્ત વય પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેના રહેવાની વ્યવસ્થા કરવામાં આવે અને તે પોતાની પત્ની સિવાય જેની પણ સાથે રહેવા માગતો હોય તેની સાથે ઇચ્છા મુજબ રહી શકે છે. આ સાથે જ કોર્ટે બન્નેના આ લગ્નને પણ ફોક ગણાવ્યા હતા.