૧૯૬૨ મોબાઈલ પશુ દવાખાનાની સેવા પશુ પાલકો માટે આશીર્વાદરૂપ બની રહેશે : કલેક્ટર શ્રી આર.જી. ગોહિલ
આણંદ જિલ્લામાં GVK-EMRI સાથે પી.પી.પી. મોડથી બે મોબાઈલ પશુ દવાખાનાને પ્રસ્થાન કરાવતા સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ
આણંદ : આણંદ જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓની ઝડપથી સારવાર મળી રહે તે માટે જિલ્લામાં ૪ મોબાઈલ પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જે પૈકી આજ રોજ બે એમ્બ્યુલન્સને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે કલેક્ટર શ્રી આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, નગર પાલિકા પ્રમુખ શ્રી કાંતિભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કાર્યરત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય કક્ષાએથી ૧૦૮ જેટલી પશુ સારવાર ખાતેની એમ્બ્યુલન્સ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના શુભ હસ્તે રાજ્યભરમાં રવાના કરવામાં આવી હતી. જે પૈકી આણંદ જિલ્લામાં પશુઓની સારવાર માટે ૪ મોબાઈલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના કારણે પશુ પાલકો ૧૯૬૨ પર કોલ કરી પોતાના પશુની નિઃશુલ્ક સારવાર કરાવી શકશે જેથી પશુનું સ્વાસ્થ્ય સારું રહેશે અને પશુ પાલકો આવકમાં વધારો કરી શકશે.
સાંસદશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારની આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭ દરમ્યાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે.
સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું કે, આણંદ જિલ્લામાં અમૂલ ડેરી હોવાથી અહિં વધુ પ્રમાણમાં લોકો પશુ પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેથી પશુપાલકોને મોબાઈલ પશુ દવાખાનની સેવાનો લાભ મોટા પ્રમાણમાં મળી રહેશે.
જિલ્લા કલેક્ટર શ્રી આર.જી.ગોહિલે જણાવ્યું કે, જેમ માનવ આરોગ્યની ત્વરિત સારવાર માટે ૧૦૮ની સેવાઓ હાલમાં કાર્યરત છે તેવી જ રીતે પશુ પાલકો માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિના મૂલ્યે ગામમાં બેઠા પશુની સારવાર માટે મોબાઈલ પશુ દવાખાનની સેવા મળી રહેશે જેથી આ સેવા પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે.
શ્રી ગોહિલે ઉમેર્યું કે, આણંદ જિલ્લો ડેરી ઉદ્યોગનું કેન્દ્ર ગણાય છે અને અહિં લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેથી નિઃશુલ્ક મોબાઈલ પશુ દવાખાનની સેવાનો લાભ તેઓને મોટા પ્રમાણમાં મળશે.
કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, પશુ પાલકોને હવે પોતાના પશુઓને દવાખાના સુધી લાવવા અને લઈ જવામાં જે મુશ્કેલીઓ પડી રહી હતી તે હવે નહીં પડે અને પોતાના ધેર બેઠા મોબાઈલ પશુ દવાખાનની સેવાથી પશુઓની સારવાર કરાવી શકશે જેથી પશુઓના મૃત્યુમાં પણ ઘટાડો થશે અને પશુ પાલકોની આવકમાં વધારો થશે.
આ પ્રસંગે આણંદ જિલ્લાના પશુપાલન અધિકારી શ્રી સ્નેહલ પટેલ, મદદનીશ પશુ પાલન અધિકારીશ્રી ડૉ. બી.એમ. ફુલવાણી, ડૉ. મેહુલ પટેલ, ડૉ. દિપક મનાત, પ્રોજેક્ટ ઈન્ચાર્જ શ્રી જૈમિન દવે, વેટનરી ડૉ. એ.સાઈશ્રી, વેટનરી ડૉ. કોમલબેન, પાઈલોટ હરેશભાઈ ગોહિલ, પાઈલોટ ગણપતાભાઈ રાઠોડ, ડૉ.પ્રિયા પટેલ, દિલીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા.