કોરોનાની રસીને મંજૂરી, બિહાર કોંગ્રેસ નેતાએ કરી વિચિત્ર માંગણી…
પટના : દેશમાં કોરોનાની બે વેક્સીનને મંજૂરી મળ્યા બાદ જોરદાર રાજકારણ ગરમાયું છે. એકબાજુ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ વેક્સીન લેવાની ના પાડી દીધી અને તેનું કારણ જણાવ્યું કે આ તો ભાજપની વેક્સીન છે. તો બીજીબાજુ બિહારમાં કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્માએ પણ હવે ઉંબાડિયું કર્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અજીત શર્મા એ માંગણી કરી છે કે જે રીતે રસીને લઇ પ્રજાનો વિશ્વાસ જીતવા માટે રૂસ અને અમેરિકાના રાષ્ટ્રપતિ એ પહેલાં રસી લીધી હતી તેવી જ રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાની પહેલાં રસી લેવી જોઇએ જેથી કરીને પ્રજાની વચ્ચે તેને લઇ વિશ્વાસ વધે.
અજીત શર્માએ માંગણી કરી છે કે વડાપ્રધાન મોદીની સાથે ભાજપના વરિષ્ઠ નેતા પણ કોરોનાની રસી સૌથી પહેલાં લે જેથી કરીને લોકોની વચ્ચે રસીને લઇ વિશ્વાસ ઉભો થાય. તેમણે કહ્યું કે નવા વર્ષમાં બે વેક્સીન આવી છે. આ ખુશીની વાત છે પરંતુ તેને લઇ લોકોની વચ્ચે શંકા પણ છે. આ શંકાને દૂર કરવા માટે જે રીતે રશિયા અને અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષે પહેલાં રસી લઇ લોકોનો વિશ્વાલ વધાર્યો છે, મારું માનવું છે કે વડાપ્રધાન મોદી અને ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓએ પણ પહેલાં રસી લઇ લોકોનો વિશ્વાસ જીતવો જોઇએ.
અજીત શર્માએ ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું કે રસી આવ્યા બાદ ભાજપ ચારેય બાજુ ઢંઢેરો પીટીને ખુશી મનાવી રહ્યું છે. દેશમાં આવેલી વેક્સીનનો શ્રેય કોંગ્રેસને પણ મળવો જોઇએ. કારણ કે સીરમ ઇન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેક બંને કંપનીઓ કોંગ્રસના જમાનામાં જ સ્થાપિત થઇ હતી.