આતંકવાદને પોષનાર પાકિસ્તાનને જ ભારે પડ્યો આતંક…
પોલીસે ૪ આતંકીઓને ઠાર કર્યા,બલુચ લિબરેશન આર્મીએ લીધી હુમલાની જવાબદારી, હેન્ડ ગ્રેનેડથી હુમલા બાદ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, આતંકીઓ ભારે હથિયારો સાથે એક્સચેન્જમાં ઘુસયા હતા…
કરાચી : આતંકવાદને પોષનાર પાકિસ્તાનને, “પોષતુ એ જ મારતુ” કહેવત અનુસાર તેને જ આતંકવાદ નડી રહ્યો છે અને આજે સોમવારે સવારે કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એકસચેન્જ ( પાક.શેરબજાર ) પર ૪ આતંકીઓએ ઘાતક દુમલો કર્યો હતો. ચાર આતંકવાદીઓએ ગ્રેનેડ લગાવી સ્ટોક એક્સચેંજની ઇમારત પર હુમલો કર્યા પછી ઓછામાં ઓછા ૬ લોકો માર્યા ગયા હતા. જો કે પોલીસ અને રેન્જર્સની વળતી કાર્યવાહીમાં આ તમામ ચારેય આતંકીઓ ઠાર મરાયા હતા. બીજી તરફ, આતંકીઓ સાથેની અથડામણમાં પોલીસ અને સુરક્ષા ગાર્ડ સહિત ૬ લોકો મળી આ આતંકી હુમલામાં હાલમાં કુલ ૧૦ લોકો માર્યા ગયાના અહેવાલ છે. શેર બજાર પર હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી(બીએલએ)એ લીધી હતી.
પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ પર આજે સોમવારે સવારે શેર બજારમાં કામકાજના પહેલા દિવસે કામગીરી શરૂ થયાના થોડીક વારમાં હથિયારો સાથે ૪ આતંકીઓ ઘૂસી આવ્યાં હતા., મીડિયા રિપોટ્ર્સના જણાવ્યા મુજબ કરાચી સ્ટોક એક્સચેન્જ સવારે ૧૦.૩૦ વાગ્યે ખુલે છે. રોજની જેમ તે આજે સોમવારે પણ આ જ સમયે ખુલ્યું હતું.. આ દરમિયાન સામાન્ય માણસો અને કર્મચારીઓની સાથે હથિયારધારી આતંકીઓ અહીં ઘુસી ગયા હતા. તેમનો ઈરાદો સમજતા જ લોકો ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. થોડી જ વારમાં શેરબજારની સમગ્ર બિલ્ડિંગને ઘેરી લેવામાં આવ્યું હતું. અને પોલીસ તથા રેન્જર્સ દ્વારા આતંકીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પાક. મિડિયા જિયો ન્યુઝના જણાવ્યા મુજબ, સ્ટોક એક્સચેન્જના બે કર્મચારીઓ અને અન્ય ત્રણ કર્મચારીઓના મોત થયા છે. આતંકીઓએ પહેલા પાર્કિંગ ઝોનમાં જવાની કોશિશ કરી રહ્યાં હતા. આ શેર બજારમાં સુરક્ષા માટે સ્થાનિક પોલીસ નહીં પણ ખાનગી સિક્યુરીટીને જવાબદારી સોંપવામાં આવી છે.
પાક. મિડિયાના જણાવ્યા મુજબ, ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૫ લોકોના મોત થયા છે. પોલીસ અને રેન્જર્સની ટીમ હાલ ઘટના સ્થળે છે. અહીંથી લોકોને કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. . મૃત્યુ પામેલા લોકોમાં એક પોલીસ ઈન્સપેકટર અને ચાર સિક્યોરિટ ગાડ્ર્સ સામેલ છે. આ હુમલામાં કુલ સાત લોકો ઘાયલ થયા છે. તેમાંથી ચારની સ્થિતિ ગંભીર છે. હુમલાની જાણકારી મળતા જ પાકિસ્તાન રેન્જર્સના જવાનો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. અને પોલીસ સાથે મળીને હાથ ધરાયેલી કામગીરીમાં તેમણે ચારેય આતંકીઓના ઠાર માર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈજાગ્રસ્ત લોકોમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે.
સિંધના રાજ્યપાલ ઇમરાન ઇસ્માલે આ ઘટનાની નિંદા કરી છે. એક ટવીટમાં ગવર્નર ઇમરાન ઇસ્માઈલે કહ્યું, “આતંક વિરુદ્ધ અમારા અવિરત યુદ્ધને કલંકિત કરવાના હેતુથી પીએસએક્સ પરના હુમલાની સખત નિંદા કરૂ છું. આઇજી અને સુરક્ષા એજન્સીઓને સૂચના આપી છે કે ગુનેગારોને જીવંત પકડવામાં આવે અને તેમના સૂત્રધારોને અનુકરણીય સજા આપવામાં આવે. દરેક કિંમતે સિંધનું રક્ષણ કરો. ”
જાણકારોના જણાવ્યાં મુજબ, કરાચી સ્ટોક એક્સચેન્જમાં પોલીસ તૈનાત કરવામાં આવી નથી. અહીંની સિક્યોરિટીની જવાબદારી પ્રાઈવેટ કંપનીની પાસે છે. જાણકારોના જણાવ્યાં મુજબ, મૃત્યુ પામેલા લોકોમાં પોલીસનો એક સબ ઈન્સ્પેકટર પણ સામેલ છે. જિયો ન્યુઝે મૃતકોની સંખ્યા ૯ જણાવી છે. એક અન્ય અહેવાલમાં મરનારાઓની સંખ્યા ૧૦ની દર્શાવાઇ છે.
પાકિસ્તાનની મીડિયા મુજબ, સવારે લગભગ નવ વાગ્યે ચાર આતંકવાદી પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગમાં ઘુસી ગયા હતા અને તેમણે અંધાધુંઘ ફાયરિંગ કર્યું હતું. આતંકીઓએ મેઈન ગેટની પાસે ગ્રેનેડ પણ ફેંક્યો હતો. સોમવાર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો એક્સચેન્જમાં હાજર હતા. સુરક્ષાદળોએ બિલ્ડિંગની આજુ-બાજુના વિસ્તારને સીલ કરી દીધા છે. આજુ-બાજુની બિલ્ડિંગમાં સ્નાઈપર્સ તહેનાત કરવામાં આવ્યા છે. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને વિસ્ફોટક જથ્થો મળી આવ્યો છે. કરાચીના ઇન્સપેકટર જનરલે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ આતંકીઓને ઠાર કરી દેવાય છે.