ન્યુ દિલ્હી : રશિયાએ સ્પષ્ટતા કરી હતી કે ભારત અમારું વિશ્વાસુ સાથીદાર છે અને હંમેશા રહેશે. તાજેતરમાં રશિયાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. વર્ષો પછી રશિયન વિદેશ મંત્રીની એ પાકિસ્તાન મુલાકાત હતી. તેના કારણે રશિયા પાકિસ્તાનને વધારે મહત્ત્વ આપતું હોવાની ચર્ચા આરંભાઈ હતી. રશિયાના ભારત સ્થિત એમ્બેસેડર અને અન્ય રશિયન અધિકારીઓએ આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે એ ગેરસમજ છે, અમે ભારતનું મહત્ત્વ ઘટે એ રીતે પાકિસ્તાન સાથે સબંધો વધારવાના નથી.
ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદી રહ્યું છે. આ સિસ્ટમ અતિ ઘાતક છે અને અમેરિકાને પણ તેનો ભય લાગી રહ્યો છે. માટે અમેરિકાએ ભારતને પહેલા સમજાવટ અને પછી ધમકી આપી છે કે રશિયા પાસેથી ખરીદી કરશો તો આપણા સંબંધો બગડશે. ભારત અને રશિયાએ તેની પરવા વગર ડિલ ચાલુ રાખી છે. રશિયાએ એ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ગમે તેનો ગમે એટલો વિરોધ હોય નવેમ્બરમાં એસ-૪૦૦ની ડિલિવરી શરૂ કરી દેવાશે.
ભારતમાં રશિયા સ્થિત એમ્બેસેડર નિકોલાઈ કુશ્ડેવે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેના સંબંધો છે એ સ્વતંત્ર અને મર્યાદિત છે. ભારત સાથેના સંબંધો સાથે તેની ભેળસેળ કરવાની જરૂર નથી. તેમણે કહ્યુ હતુ કે આપણે બધા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગનાઈઝેશનના સભ્યો છીએ એટલે દ્વિપક્ષીય સબંધો તો રહેવાના જ. એ રીતે તેમણે ભારતને પણ રશિયાની આંતરીક બાબતમાં દખલ ન કરવા સાનમાં સમજાવ્યું હતું.
અમેરિકાએ ભારતને ધમકી આપી છે કે અમારા દુશ્મન પાસેથી ઘાતક હથિયારો ખરીદશો તો પ્રતિબંધ મુકીશું. ભારતે તેની સામે કહ્યું કે રાષ્ટ્રહિત માટે અમે ગમે તે દેશ પાસેથી શસ્ત્રો ખરીદતા રહીશું. અમેરિકા એમાં ડહાપણ ન કરે. એસ-૪૦૦ની ડિલિવરી આ વર્ષના અંત સુધીમાં અને મોટે ભાગે તો નવેમ્બરમાં જ આરંભાઈ જશે.