અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ-સુંદર બનાવવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના અભિયાન હેઠળ પાન-મસાલા ખાઇને જ્યાં ત્યાં થૂંકવાની આદત ધરાવતા લોકો તેમજ પાનના ગલ્લા ધરાવતા ધંધાર્થીઓ સામે તંત્ર આગામી દિવસોમાં ભારે કડકાઇથી કામ લેવાનું છે. તેમાં પણ પાનના ગલ્લાએ ઊભા રહીને પાન કે મસાલો ખાઈને તત્કાળ તેની આજુબાજુના વિસ્તારમાં પીચકારી મારતા નાગરિકો માટે પાનના ગલ્લાવાળાઓએ ફરજિયાત પણે થૂંકદાની મૂકવી પડશે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતનાં નાનાં-મોટાં શહેરનાં અમુક નાગરિકોમાં જાણ્યે-અજાણ્યે રસ્તા પર થૂંકવાની આદત જાવા મળે છે. આ લોકો પાન-મસાલા ખાઇને તેની પીચકારી મારીને અન્ય લોકોનાં કપડાં બગાડવાથી લઇને રોડ-રસ્તા, જાહેર કે અંગત મિલકતની દીવાલ, લિફટ વગેરેને બહુ ખરાબ રીતે બગાડી નાખે છે. અમદાવાદમાં એએમટીએસ કે બીઆરટીએસ બસના ડ્રાઇવર પણ ચાલુ બસે બારીમાંથી બહાર પાન-મસાલાની પીચકારી મારવામાં પાવરધા છે.
છેલ્લા બે-ચાર દિવસથી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશથી મુખ્યાલયના ‘બી’ બ્લોકના તમામ માળે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દીવાલ સાથે ત્રણેક ફૂટની ઉંચાઇએ થૂંકદાની લગાડાઇ છે. આ પ્રયોગ સફળ નિવડ્યા બાદ વધુ ઓફિસોમાં થૂંકદાની લગાડાશે.
શહેરના ચાર રસ્તા સહિતના મહત્વનાં સ્થળોએ મૂકાયેલા સીસીટીવી કેમેરાની મદદથી રસ્તા પર થૂંકનારા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરચાલકોને તેમની નંબર પ્લેટ અને તેના ફોટાના આધારે પકડી પડાશે. અમુક ફોર વ્હીલરચાલકો ફટાફટ ગાડીના કાચ નીચે ઉતારીને થૂંકીને કાચ પાછા ચઢાવી દેતા હોઇ સીસીટીવી કેમેરાની મદદથી આવા ફોર વ્હીલરચાલકોનો ત્રીસેક સેકન્ડનો વીડિયો પણ ગ્રાફિક તરીકે મોકલવાના મામલે તંત્રએ કવાયત હાથ ધરી છે.