પુલવામા : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરીથી એક વખત સીઆરપીએફના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. જેમાં કાફલા પર આઇઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ ફાયરિંગની ઘટનામાં સીઆરપીએફનો એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. આ હુમલો પુલવામાના ગંગૂ વિસ્તારમાં થયો છે. હાલ સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પુલવામા હુમલાની જેમ જ આ વખતે પણ સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ કરવાની યોજના હતા. આ માટે આતંકવાદીઓએ હાઈવે પર એક આઇઇડી બ્લાસ્ટ લગાવ્યો હતો. જેમાં ઓછી તિવ્રતાનો વિસ્ફોટ થયો હતો. જેની અડફેટમાં સીઆરપીએફ કાફલાનું એક વાહન આવી ગયું હતું. જો કે આ બ્લાસ્ટ ઓછી તીવ્રતાનો હોવાના કારણે વધારે નુક્સાન નથી થયું, પરંતુ એક જવાન ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ આતંકવાદી હુમલા બાદ પુલવામામાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે. હાલ ઘટના સ્થળે સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ મોટાપાયે સર્ચ અભિયાન શરૂ કર્યું છે.
જણાવી દઈએ કે, સુરક્ષા એજન્સીઓ પાસે પહેલાથી જ બાતમી હતી કે, આતંકવાદીઓ સીઆરપીએફના કાફલા પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યાં છે. ગત મહિને કાશ્મીરના આઇજી વિજય કુમારે પણ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ઈશારે આતંકવાદીઓ સેનાના જવાનોના કાફલા પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યાં છે.