૨૪ કલાકમાં સેનાએ પાંચ આતંકીને ઠાર કર્યા…
પુલવામા : પુલવામા જિલ્લાના કંગન વિસ્તારમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમાંથી એક જૈશનો કમાન્ડર હતો, જે વિદેશી હોવાનું કહેવાઈ રહ્યું છે. આર્મીના જણાવ્યા મુજબ મરાયેલો આતંકવાદી આઇઇડી બ્લાસ્ટમાં નિષ્ણાંત હતો. આ એન્કાઉન્ટરમાં એક ભારતીય સૈનિક પણ ઘાયલ થયો છે.
ઇન્ટેલિજન્સ ઇનપુટ પછી નેશનલ રાઇફલ્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ આતંકવાદીઓને શરણાગતિ માટે પણ કહ્યું હતું, પરંતુ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સાવચેતીના ભાગ રૂપે પુલવામા જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
પુલવામામાં છેલ્લા ૨૪ કલાકમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ બીજી મુઠભેડ હતી. આ પહેલા મંગળવારે પુલવામાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સોમવારે નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ ૨૮ મેથી જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી હતી કે પાકિસ્તાનથી આતંકીઓની ઘૂસણખોરી થઈ શકે છે.