આજે પેટ્રોલમાં 19 પૈસા, ડિઝલમાં 29 પૈસાનો ભાવવધારો…
નવી દિલ્હી : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધના માહોલની અસર હેઠળ પેટ્રોલ-ડિઝલ સળગવા ચાલુ જ રહ્યા છે. આજે પેટ્રોલમાં 19 પૈસા તથા ડિઝલમાં 29 પૈસાનો વધારો થયો હતો. રસપ્રદ વાત એ છે કે બન્ને ઈંધણ ચીજોના ભાવ લગભગ એકસરખા થઈ ગયા છે.
ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ 13 મહિનાની ઉંચાઈએ છે જ અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. વૈશ્ર્વિક ભાવવધારાની અસરે ઘરઆંગણે ભાવ ઉંચકાતા જાય છે. છેલ્લા બે મહિનામાં પેટ્રોલમાં રૂા.3.28 તથા ડિઝલમાં રૂા.3.22નો ભાવવધારો થયો છે. જયારે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ 53 પૈસા તથા ડિઝલ 72 પૈસા મોંઘુ બન્યુ છે.
સૂત્રોએ કહ્યું કે ઘરઆંગણે ભાવ નકકી કરવામાં પેટ્રોલીયમ કંપનીઓ છેલ્લા એક પખવાડીયાના સરેરાશ ભાવને લક્ષ્યમાં લેતી હોય છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં વૈશ્ર્વિક ભાવ ઘણા વધી ગયા છે તેને ધ્યાને લેતા આવતા દિવસોમાં વધુ ભાવવધારાનો ઈન્કાર થતો નથી. રાજકોટમાં પેટ્રોલના ભાવમાં આજે 19 પૈસાનો વધારો થવા સાથે તેના પ્રતિલીટર રૂા.72.83 હતા. ડિઝલ 29 પૈસા વધીને 71.80 થયુ હતું. બન્ને ઈંધણનો ભાવ વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું છે. આવતા દિવસોમાં લગોલગ થઈ જવાનો ઈન્કાર થતો નથી.