USA : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં સરકાર વિરુદ્ધ થઈ રહેલાં પ્રદર્શન પર કડક નજર રાખી રહ્યા છે. ઈરાનની જનતા સરકાર વિરુદ્ધ પ્લેન દુર્ઘટના મામલે બે દિવસથી દેખાવો કરી રહી છે. તેમને કાબુમાં રાખવા પોલીસે રવિવારે ભીડ પર ટીયર ગેસ છોડ્યા હતા. ત્યારપછી ટ્રમ્પે દેખાવો સામે એક જ દિવસમાં બે ટિ્વટ કર્યા હતા અને કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જણાવ્યું કે, નવા પ્રતિબંધોથી ઈરાનનો શ્વાસ રૂંધાઈ ગયો છે અને તેઓ સમજૂતી કરવા તૈયાર છે. હકીકતમાં મને એ ચિંતા નથી કે તેઓ સમજૂતી કરે છે કે નહીં. પરંતુ ઈરાની નેતાઓને ચેતવણી છે કે, તેઓ પરમાણુ હથિયાર ન બનાવે અને દેખાવકારોને ન મારે.
ટ્રમ્પે આગળ કહ્યું છે કે, હજારો લોકોને પહેલાં જ મારવામાં આવ્યા છે અથવા જેલમાં નાખવામાં આવ્યા છે. હવે આ બધુ અમેરિકા પણ જોઈ રહ્યું છે. તમારું ઈન્ટરનેટ શરૂ કરો અને રિપોટ્ર્સને આઝાદીથી ફરવા દો. તમારા મહાન ઈરાનીઓની હત્યાઓ બંધ કરો.
ઈરાનમાં ૮ જાન્યુઆરીએ યુક્રેનનું એક વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. ઈરાને શનિવારે સ્વીકાર્યું કે તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલથી હુમલો કર્યો હતો. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આ નિવેદનને માનવીય ભૂલ ગણાવાવમાં આવી છે. આ ઘટના પછીથી ઈરાનમાં હજારો લોકો સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
- Nilesh Patel