મુંબઈ : પ્રભુ દેવા અભિનયની સાથે સાથે તેની અનોખી કોરિઓગ્રાફી માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. તે ભાગ્યે જ ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળે છે, પરંતુ જ્યારે પણ તે આ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે ચાહકો તેમના દિવાના થઈ જાય છે. ત્યારે આવું જ કઈ જોવા મળી રહ્યું છે પ્રભુ દેવાની નવી ફિલ્મના ટીઝરને લઈને. તેમની ફિલ્મનું નામ ‘બઘીરા’ છે. ફિલ્મના ટીઝરની રિલીઝ સાથે જ તે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મમાં પ્રભુ દેવા સાયકોની ભૂમિકા નિભાવતા નજરે પડે છે. પ્રભુ દેવાના ‘બઘીરા’ ના ટીઝરમાં તમે જોઈ શકો છો કે, તેઓ અલગ-અલગ લૂકમાં જોવા મળી રહ્યા છે, પરંતુ તેમનો હેતુ એક જ છે.
ટીઝરમાં તેમના લૂક્સ અને એક્સપ્રેશન જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેમણે ફિલ્મમાં ભજવેલું પાત્ર કેટલું ખતરનાક છે. વીડિયોમાં પ્રભુ દેવા ડાન્સ કરતા પણ જોવા મળી રહ્યા છે. એકંદરે, આ ફિલ્મ ચાહકોનું ખૂબ મનોરંજન કરવા જઈ રહી છે. ચાહકો પણ આ ફિલ્મ અંગે ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રી અમાયરા દસ્તુર પણ પ્રભુ દેવાની ‘બઘીરા’માં જોવા મળી છે. ફિલ્મનું ટીઝર અત્યાર સુધીમાં ૧૨ લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.
જણાવીએ કે, પ્રભુ દેવા કોરિયોગ્રાફર તેમજ ડિરેક્ટર, નિર્માતા છે. પ્રભુ દેવા મુકબાલા, ઉર્વાસી ઉર્વસી અને કે સેરા સેરા જેવા ગીતો પર તેમની જબરદસ્ત કોરિઓગ્રાફી માટે જાણીતા છે. તમિલ અને તેલુગુ ફિલ્મો ઉપરાંત તેમણે કેટલીક હિન્દી ફિલ્મો જેવી કે વોન્ટેડ, રાઉડી રાઠોડ, આર.રાજકુમાર, એક્શન જેકસન અને દબંગ ૩ નું નિર્દેશન પણ કર્યું છે. પ્રભુ દેવાએ લવ સ્ટોરી ૧૯૯૯, સ્ટ્રીટ ડાન્સર ૩ ડી, દેવી, દેવી ૨ અને માઇકલ મદના કામારાજુ જેવી ઘણી ફિલ્મોમાં પોતાની તેજસ્વી અભિનયથી લોકોના હૃદયમાં એક ખાસ ઓળખ બનાવી છે.