પંજાબમાં હુજૂર સાહિબ ગુરૂદ્વારાથી પરત આવેલા ૪,૨૧૬ પૈકીના ૧,૨૨૫ લોકોમાં સંક્રમણની પૃષ્ટિ…
ન્યુ દિલ્હી : લોકડાઉન વચ્ચે દેશભરમાંથી પ્રવાસીઓ પોતપોતાના ગામ પરત ફરી રહ્યા છે જેથી તેમના રાજ્યોમાં કોરોનાના દર્દીઓનો આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઓડિશા અને બિહાર તેના બે મુખ્ય ઉદાહરણ છે. ઓડિશામાં ત્રીજી મેના રોજ ૧૬૨ દર્દીઓ જ હતા અને ૧૪મી મે સુધીમાં તે આંકડો ૬૧૧ થઈ ગયો હતો. આ જ રીતે બિહારમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા ૯૪૦ને પાર કરી ગઈ છે.
ઓડિશા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે ગુરૂવારે નોંધાયેલા નવા ૭૩ પોઝિટિવ કેસ પૈકીના ૭૧ લોકો બીજા રાજ્યોમાંથી આવ્યા હતા. તેમાંથી સૌથી વધારે ૫૦ લોકો સુરતથી આવ્યા હતા, જ્યારે ૨૦ પશ્ચિમ બંગાળથી અને એક કર્ણાટકથી આવેલ. આ કારણે ૧૧ દિવસમાં રાજ્યમાં સંક્રમિત લોકોનો આંકડો ઝડપથી ઉંચો આવ્યો હતો. દક્ષિણ ઓડિશાના ગંજમ જિલ્લામાં બીજી મે સુધી એક પણ દર્દી નહોતો પરંતુ હવે ત્યાં ૧૩૭ લોકો કોરોના પોઝિટિવ છે.
આ જ રીતે બિહારના પ્રમુખ સ્વાસ્થ્ય સચિવ સંજય કુમારે જણાવ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તે પૈકીના ૭૫ ટકા પ્રવાસી મજૂરો છે. બિહારમાં ૪ મેથી ૧૦ મે દરમિયાન દર્દીઓની સંખ્યા ૫૨૮થી વધીને ૭૦૭ થઈ ગઈ હતી. નવા કુલ ૧૭૯ કેસમાંથી ૧૫૦ પ્રવાસી મજૂરો છે જેમાંથી ૪૧ દિલ્હી એનસીઆર, ૩૬ મહારાષ્ટ્ર અને ૩૫ ગુજરાતથી પરત ફર્યા છે.
પશ્ચિમ બંગાળની સ્થિતિ પણ આવી જ છે. જો કે, પશ્ચિમ બંગાળ સરકારે ચોક્કસ આંકડો જાહેર નથી કર્યો પરંતુ ૬ મે બાદ ત્યાં દરરોજ ૧૦૦થી પણ વધારે લોકો સંક્રમિત મળી રહ્યા છે.
પંજાબમાં પણ બહારથી આવેલા સંક્રમિતોના કારણે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. નાંદેડ ખાતેના હુજૂર સાહિબ ગુરૂદ્વારાથી પરત આવેલા ૪,૨૧૬ લોકોમાંથી ૧,૨૨૫ લોકોમાં કોરોના સંક્રમણની પૃષ્ટિ કરાઈ છે. આ સાથે જ ગુરૂવારે પંજાબમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧,૯૩૪ને પાર કરી ગઈ હતી.