મુંબઈ : દેશમાં હાલ એક બાજુ કોરોના મહામારીનો કહેર વધી રહ્યો છે તો બીજી બાજુ આસામ અને બિહારમાં લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. તેવામાં પ્રિયંકા ચોપરા એકવાર ફરીથી મુશ્કેલીમાં ફસાયેલા લોકો માટે આગળ આવી છે. પ્રિયંકા અને નિકે આસામમાં આવેલા પૂર માટે મદદ કરી રહેલી સંસ્થાઓને દાન કર્યું છે. તેમણે પોતના ચાહકોને પણ તેમનાથી બને એટલી મદદ કરવા વિનંતી કરી છે. પ્રિયંકાએ ટિ્વટર પર લખ્યું કે, આપણે બધા હાલ મહામારી સામે લડી રહ્યા છીએ. આસામમાં પૂરને લીધે બધું નાશ થઇ ગયું છે.
લાખો લોકોનું જીવન સંકટમાં છે. ભારે વરસાદને લીધે લોકોના જીવ, જમીન અને સંપત્તિ એમ બધું જ નષ્ઠ થઇ રહ્યું છે. દુનિયાના શ્રેષ્ઠ અભયારણ્યમાંના એક કાઝીરંગા નેશનલ પાર્કમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી છે. તે બધાને આપણી મદદની જરૂર છે. હું અમુક વિશ્વાસલાયક ઓર્ગેનાઈઝેશનની માહિતી શેર કરી રહી છું. આ લોકો આસામમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં મદદ કરી રહ્યા છે. મેં અને નિકે તેમાં ડોનેશન કર્યું છે. તમે બધા પણ મદદ કરો જેથી તેઓ જરૂરિયાતમંદ લોકો સુધી વસ્તુઓ પહોંચાડી શકે. પ્રિયંકા આસામની ટુરિઝ્મ બ્રાન્ડ એમ્બેસેડર છે. વર્ષ ૨૦૧૬માં તેને આ જવાબદારી સોંપવામાં આવી હતી,તે પછી તે રાજ્યના ઘણા કેમ્પેન્સનો ભાગ બની.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે એમેઝોન સ્ટુડિયો સાથે બે વર્ષ માટે મલ્ટીમિલિયન ફર્સ્ટ લુક ટીવી ડીલ સાઈન કરી ચગે. આ ઉપરાંત બે નેટફ્લિક્સ પ્રોડક્શન ‘વી કેન બી હીરોઝ’ અને ‘ધ વ્હાઈટ ટાઈગર’ની રિલીઝની રાહ છે. તે મિન્ડી કેલિંગ સાથે વેડિંગ કોમેડી અને મા આનંદ શીલાની બાયોપિકમાં કામ કરી રહી છે. આ ઉપરાંત તે અમેરિકન સાયન્સ ફિક્શન એક્શન ફિલ્મ ‘ધ મેટ્રિક્સ ૪’માં પણ દેખાશે.