મહિનાના પ્રારંભે પેરિસમાં એક શિક્ષકનો પણ શિરચ્છેદ કરાયો હતો…
નાઇસ શહેરના મેયરે આતંકી હુમલો ગણાવ્યો, હુમલાખોરની ધરપકડ…
નાઇસ : ફ્રાન્સના નાઇસ શહેરમાં ગુરુવારે નેટ્રોડેમ ચર્ચમાં ચાકુથી હુમલો થતાં ચકચાર જાગી છે. હુમલાખોરે એક મહિલાનું માથુ દેવાયા સહિત ૩ લોકોની હત્યા કરી નાંખી. શહેરના મેયર ક્રિશ્ચિયન એસ્ટ્રોસીએ આને આતંકી હુમલો ગણાવ્યો.
મેયર ક્રિશ્ચિયન એસ્ટ્રોસીએ ટ્વીટર પર જણાવ્યું કે નાઇસ શહેરના નોટ્રેડેમ ચર્ચની અંદર કે પાસે ચાકુથી હુમલો થયો હતો. તેમજ પોલીસે હુમલાખોરને પકડી લીધો છે. હુમલામાં ત્રણ લોકોની હત્યા અને અનેક ઘવાયાની પોલીસે પુષ્ટિ આપી છે.
પોલીસ અને ફ્રેન્ચ નેતા મારિન લી પેને જણાવ્યું કે મહિલાનું ચાકુથી શિરચ્છેદ કરાયો છે. ફ્રાન્સના આતંકવાદ વિરોધી ફરિયાદ ખાતાએ જણાવ્યું કે તેમને આ હુમલાની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ઘટનાસ્થળે હાજર રહેલા પત્રકારે જણાવ્યું કે અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ પોલીસે ચર્ચની નાકાબંધી કરી લીધી છે. આ ચર્ચ નાઇસ શહેરના જીન મેડિસીન એવન્યુ ખાતે આવેલં છે. આ શહેરનો મુખ્ય શોપિંગ વિસ્તાર પણ છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરોની ટીમ પણ આવી ગઇ છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ મહિનાના પ્રારંભે ચેચન મૂળના એક શખસે શેમ્યુઅલ પેટી નામના ટિચરનું માથું વાઢી નાંખ્યું હતું. રિપોર્ટ છે કે હુમલાખોર હજરત મુહમ્મદ પૈયગમ્બર સાહેબના કાર્ટૂન દોરવા બદલ શિક્ષકને પાઠ ભણાવવા માંગતો હતો.
આ ઘટનાને ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મેક્રૌંએ ઇસ્લામિક આતંક ગણાવતા તૂર્કી સહિત મુસ્લિમ દેશોમાં તેમનો વિરોધ થવા લાગ્યો હતો. ઉપરાંત સોશિયલ મીડિયા પર ફ્રાન્સની વસ્તુઓના બહિષ્કારનો ટ્રેન્ડ શરુ થઇ ગયો છે. ભારતમાં પણ તેની અસર જોવા મળી હતી. આજની ઘટનાને પણ પણ આ વિરોધ સાથે સંબંધ હોવાનું કહેવાઇ રહ્યું છે.
આ દરમિયાન ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ હસન રૂહાનીએ ફ્રાન્સને ચેતવણી આપી છે કે પયગંબરની ટીકા કરવાથી હિંસા અને રક્તપાતને પ્રોત્સાહન મળશે. રુહાનીએ કહ્યું હતું કે, પશ્ચિમી દેશોએ તે સમજી લેવું જોઈએ કે પયગંબરની ટીકા કરવી તમામ મુસ્લિમો, તમામ પયગંબરો અને બધા માનવીય મલ્યોની ટીકા કરવી છે. પયગંબરની ટીકા કરવાથી કંઈ મળવાનું નથી. આ અનૈતિક છે. આ હિંસાને પ્રોત્સાહન આપશે.