ન્યુ દિલ્હી : દેશના દમદાર દોડવીર અને પોતાની ઉપલબ્ધિઓ વડે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનારા એથલીટ મિલ્ખા સિંહનું શુક્રવારે મોડી રાતે અવસાન થયું હતું. કોરોનામાંથી સાજા થયા બાદ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહ જિંદગી સામેનો જંગ હારી ગયા હતા. તાજેતરમાં જ તેમના પત્ની નિર્મલ મિલ્ખા સિંહ પણ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. મિલ્ખા સિંહે ૯૧ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે જ્યારે તેમના પત્નીની ઉંમર ૮૫ વર્ષની હતી.
થોડા સમય પહેલા મિલ્ખા સિંહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને અચાનક જ તેમની તબિયત નાજુક થવા લાગી હતી. ત્યાર બાદ તેમને ચંદીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક રાજનેતાઓ ઉપરાંત ફિલ્મ જગત અને ક્રિકેટ જગતની હસ્તિઓએ મિલ્ખા સિંહના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે લખ્યું હતું કે, ’સ્પોર્ટિંગ આઈકોન મિલ્ખા સિંહના અવસાનથી મારૂં હૃદય દુખથી ભરાઈ ગયું છે, તેમના સંઘર્ષોની કથા અને તેમના ચારિત્ર્યની તાકાત ભારતીયોની પેઢીઓને પ્રેરિત કરતી રહેશે, તેમના પરિવારના સદસ્યો અને અગણિત પ્રશંસકો પ્રત્યે મને ગાઢ સંવેદના છે.’
વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, ’શ્રી મિલ્ખા સિંહજીના અવસાનથી આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે, જેમણે દેશની કલ્પના પર કબજો કરી લીધો, જે અગણિત ભારતીયોના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવતા હતા. તેમના પ્રેરક વ્યક્તિત્વએ તેમને લાખો લોકોના પ્રિય બનાવી દીધા હતા, તેમના અવસાનથી આહત છું.’