ભાજપ અધ્યક્ષ નડ્ડાએ ૩૫ ખેડૂતો સાથે ખીચડી ખાધી…
કોલકાત્તા : દિલ્હીમાં ખેડૂત આંદોલનનો સામનો કરી રહેલુ ભાજપ પશ્ચિમ બંગાળમાં ખેડૂતોને રીઝવવામાં પડ્યુ છે.ગૃહ મંત્રી અમિત શાહ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન ૩૫ ખેડૂતો સાથે ખીચડી ખાધી હતી.
નડ્ડાએ રાજ્યના સીએમ અને ટીએમસીના ચીફ મમતા બેનરજી પર હુમલો કરતા કહ્યુ હતુ કે, બંગાળના લોકોએ ફોઈ અને ભત્રીજાને બાય બાય કહેવાનુ નક્કી કરી લીધુ છે.હવે બંગાળના ખેડૂતો બંગાળમાં કમળ ખીલવશે અને બંગાળનો વિકાસ થશે.
માલદામાં ખેડૂતો સાથે તે્મણે ભોજન કર્યુ હતુ અને એ પહેલા એક જનસભામાં કહ્યુ હતુ કે, મમતા બેનરજીની સરકારે ખેડૂતો સાથે બહુ અન્યાય કર્યો છે.પીએમ મોદીએ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા થતી ૬૦૦૦ની રકમની યોજના શરુ કરી છે પણ મમતા બેનરજીએ જીદ કરીને આ સ્કીમને બંગાળમાં લાગુ થવા દીધી નથી.જેના કારણે બંગાળના ૭૦ લાખ ખેડૂતો આર્થિક મદદથી વંચિત રહી ગયા છે.
તેમણે કહ્યુ હતુ કે, બંગાળમાં જ્યાં પણ જઉં છું ત્યાં જય શ્રી રામનો નારો સાંભળવા મળે છે પણ મમતા બેનરજીને આ સાંભળીને ગુસ્સો કેમ આવે છે તે ખબર પડતી નથી.મમતા બેનરજીની સરકારે જો ખેડૂતોની સેવા કરી હોત તો આજે આ દિવસો જોવા ના પડત.પણ બંગાળની જનતાએ મમતા બેનરજીની સરકારને વિદાય કરવાનુ નક્કી કરી લીધુ છે.