બબલદાસ પટેલ સહિત મુખ્ય હોદ્દેદારોએ NCP સાથે છેડો ફાડ્યો : બાપુને હટાવી બોસ્કીને પ્રદેશ પ્રમુખ બનાવતા એન.સી.પી.માં વિરોધનો જ્વાળામુખી : પક્ષ થયો ખાલીખમ્મ : પ્રદેશથી લઇ તાલુકા કક્ષાના અગ્રણીઓએ પાર્ટી છોડી : શંકરસિંહજી જે નિર્ણય કરે તેને વધાવશે : ગુજરાતમાં સત્તા પરિવર્તનનો લેવાયો સંકલ્પ…
નેશનલ કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જયંત પટેલ (બોસ્કી)ના નામની જાહેરાત કરી છે. અગાઉ પણ જયંત પટેલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેને જવાબદારી નીભાવી ચૂક્યા છે. તેઓ હવે શંકરસિંહ વાઘેલાની જગ્યા લેશે. એનસીપી સુપ્રીમો શરદ પવારે જયંત પટેલની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક કરી છે. જયંત પટેલના નામની જાહેરાત થવાની સાથે જ હવે શંકર સિંહ વાઘેલાને તેમની સાથે મળીને ગુજરાતમાં પાર્ટી માટે કામ કરવાનું રહેશે. શંકરસિંહનું પાર્ટીમાં કદ ઘટતા તેઓ કંઈ નવાજૂની કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તેમણે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટની પ્રોફાઈલ પરથી એનસીપી નેતા તરીકેની ઓળખ હટાવીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે પોતાને રજૂ કર્યા છે. અગાઉ શંકરસિંહ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોતાને એનસીપીના જનરલ સેક્રેટરી તરીકે રજૂ કરતા હતા.