એક સેન્ટર પર પરીક્ષાર્થી મોબાઈલ સાથે દેખાયો…
અમદાવાદ : બિનસચિવાયલ પરીક્ષામાં થયેલ ગોલમાલને લઈ હવે વિપક્ષે રાજ્ય સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બિનસચિવાયલની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ રાજ્ય સરકાર પર લગાવ્યો છે. વિદ્યાર્થીઓ મારફતે પરીક્ષામાં ગોલમાલ થયા હોવાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી.
કોંગ્રેસે બિનસચિવાયલની પરીક્ષાના વિવિધ કેન્દ્રમાં થતી ગેરરીતિના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે. કોંગ્રેસ રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે બિનસચિવાયલની પરીક્ષામાં પેપર ફૂટ્યા છે. પરીક્ષાના પેપર ખુલ્લેઆમ બહાર ફરતા રહ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ભરતી કૌભાંડ ચાલે છે. સુરેન્દ્રનગરના બે સેન્ટરમાં ગેરરીતિ થઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત વર્ગખંડમાં એક વિદ્યાર્થી મોબાઇલ ફોનથી નકલ કરતા નજરે આવે એવા સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરતી કૌભાંડ ચાલે છે. વર્ગખંડમાં ગેરરીતિ થઈ હોવાના સીસીટીવી સામે આવતા હવે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે અને આ સાથે પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ અંગે હવે પરીક્ષાર્થીઓના સવાલોના સરકાર પાસે કોઈ જવાબ નથી એમ લાગી રહ્યું છે. સરકારમાંથી કોઈ હરફ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નથી. પ્રાપ્ત માહિતી મુજબ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ અંગે કોઈ નિવેદન અથવા પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉપરાંત સરકારનો કોઈ નેતા ફોન પણ ઉપાડવા તૈયાર નથી. પરીક્ષાર્થીઓ જ્યારે ગૌણસેવા ઓફિસ ફરિયાદ લઈ પહોંચ્યા તો ત્યાં પરીક્ષાર્થીઓને રોકવામાં આવ્યા અને તેમની પહેલા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.