પટના : બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીતની સાથે નીતીશ કુમાર ફરી એકવાર ઈતિહાસ રચવાના છે. તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વાર શપથ ગ્રહણ કરશે. બિહારમાં આરજેડીને હટાવીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસનારા નીતીશ કુમારે સત્તાની ધૂરા ક્યારેય પોતાના હાથમાંથી ખસકવા નથી દીધી. નીતીશ બહુમતની સાથે ભલે ૨૦૦૫માં મુખ્યમંત્રી બન્યા પરંતુ આ પહેલા ૨૦૦૦માં પણ તેઓ મુખ્યમંત્રી પદની શપથ લઈ ચૂક્યા હતા. જોકે થોડા મસય બાદ બહુમત સાબિત ન કરી શકવાના કારણે તેમની સરકાર પડી ગઈ હતી.
ત્યારબાદ ૨૦૦૫માં બીજેપી અને જેડીયૂના વ્યાપક ચૂંટણી અભિયાનનો ચહેરો નીતીશ કુમાર બન્યા. આરજેડીના લાંબા શાસનને લઈ લોકોની વચ્ચે ઊભા થયેલા ગુસ્સાનો સીધો ફાયદો નીતીશને મળ્યો અને ૨૪ નવેમ્બર ૨૦૦૫ના રોજ તેઓએ ફરી એકવાર સીએમ પદના શપથ લીધા. આ વખતે તેઓએ પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી. ૨૦૧૦માં ફરી એકવાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી-જેડીયૂ પર રાજ્યની જનતાએ વિશ્વાસ મૂક્યો. ત્યારબાદ નીતીશે ત્રીજી વાર ૨૬ નવેમ્બર ૨૦૧૦ના રોજ શપથ લીધા.
વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં થયેલી હાર બાદ નીતીશ કુમારે રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ તેમનો નૈતિક નિર્ણય માનવામાં આવ્યો હતો. તેઓ પોતાના જૂના પાર્ટનર બીજેપીથી અલગ થઈ ચૂક્યા હતા અને લોકસભા ચૂંટણીમાં બીજેપીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. નીતીશે જીતનરામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ ફરી ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ તેઓએ મુખ્યમંત્રી પદના ચોથી વાર શપથ લીધા.
તે જ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. દશકો સુધી એક-બીજાના પ્રતિદ્વંદી રહેલા નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ એક થઇ ગયા હતા. મહાગઠબંધન હેઠળ બંનેએ મળીને એનડીએની સામે ચૂંટણી લડી. બંને પાર્ટીઓની ઐતિહાસિક જીત થઇ અને નીતીશ કુમારે પાંચમી વાર ૨૦ નવેમ્બર ૨૦૧૫ના રોજ શપથ લીધા.
પછી લગભગ બે વર્ષ બાદ જ્યારે નીતીશ કુમારે આરજેડી સાથે છેડો ફાડી દીધો તો બીજેપીની સાથે થઈ ગયા. જૂના સહયોગી ફરી એકવાર સાથે આવી ગયા હતા. પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર નીતીશની પકડ એવી જ રહી. ૨૭ જુલાઈ ૨૦૧૭ના રોજ તેઓએ છઠ્ઠી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. હવે ફરી એકવાર ચૂંટણીમાં એનડીએની જીત થઇ છે. જેડીયૂ સ્પષ્ટ રીતે બીજેપીની સામે જૂનિયર પાર્ટનર બની ચૂકી છે. પરંતુ બીજેપીનો વાયદો કાયમ છે. નીતીશ કુમાર સાતમી વાર મુખ્યમંત્રી પદના શપથ લેતા જોવા મળશે.