ન્યુ દિલ્હી : બીસીસીઆઈની ચૂંટણી હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને કારણે હવે એક દિવસ મોડી ૨૩ ઓક્ટોબરે યોજાશે. ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહેલી પ્રશાસકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે મંગળવારે આ જાણકારી આપી હતી. બંન્ને રાજ્યોમાં એક તબક્કામાં ૨૧ ઓક્ટોબરે ચૂંટણી થશે અને આ બે એસોસિએશનના મત આપનારા સભ્યોને કોઈ અસુવિધા ન થાય તે નક્કી કરવા માટે બીસીસીઆઈએ ચૂંટણી એક દિવસ માટે સ્થગિત કરી છે.
સીઓએ પ્રમુખ રાયે કહ્યું, ’બીસીસીઆઈની ચૂંટણી પાટા પર છે. રાજ્ય ચૂંટણીને કારણે અમે ચૂંટણી એક દિવસ ટાળવાનો નિર્ણય લીધો છે. તેથી હવે તે ૨૨ ઓક્ટોબરની જગ્યાએ ૨૩ ઓક્ટોબરે યોજાશે. અન્ય જગ્યાએ તમે ગમે તે વાંચશો તે તથ્યાત્મક રૂપે ખોટુ હશે.’
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન એડલ્જીએ કહ્યું, ’સુપ્રીમ કોર્ટના ૨૦ સપ્ટેમ્બરના આદેશ અનુસાર રાજ્ય એસોસિએશનને કેટલાક દિવસની છૂટ આપી શકાય છે પરંતુ બીસીસીઆઈની ચૂંટણી સમય પર થવી જોઈએ. મહારાષ્ટ્રમાં ૨૧ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી હોવાને કારણે અમે તેને એક દિવસ માટે ટાળી શકીએ છીએ.’