ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસની જોરદાર મહામારી ચાલી રહી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સામાન્ય માણસોથી રાજનેતાઓને કોરોનાએ પોતાનો શિકાર બનાવ્યા છે. તેમાં કેટલાંયે નેતાઓ અને લોકો મોતને ભેટ્યા છે, જ્યારે અમુક કિસ્સામાં કોરોનાને મ્હાત પણ આપી ચૂક્યા છે. કોરોનાએ સૌથી વધુ ગુજરાત કોંગ્રેસના નેતાઓને બનાવ્યા છે. ત્યારે આજે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને લઈને આજે એક ખુશખબર સામે આવી રહ્યા છે. કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને મ્હાત આપી દીધી છે. પરંતુ ભરતસિંહે કોરોનાને મ્હાત આપી હોવા છતાં હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી નથી. ભરતસિંહ સોલંકીની હાલ તબિયત હજુ પણ નાજુક બતાવવામાં આવી છે.
હા.. કોરોનામાંથી તેઓ ચોક્કસ સાજા થઈ ગયા છે. પરંતુ હોસ્પિટલમાં કોરોનામાં એન્ટિબાયોટિક દવાની અસર થતાં તેઓને હોસ્પિટલમાં રહેવાની ફરજ પડાઈ રહી છે. ભરતસિંહ સોલંકીને કોરોનામાં આપેલ એન્ટિબાયોટિકની અસર થતાં તેઓની કિડની પર મોટી અસર થઈ છે. હાલ ભરતસિંહ સોલંકી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને તેમની ત્યાં સારવાર ચાલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,
કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. બનાસકાંઠાના કૉંગી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા કોંગી ધારાસભ્યો ચિરાગ કાલરીયા, ઈમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્યો વી.ડી. ઝાલાવડીયા, જગદીશ પંચાલ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા હતા. જોકે ભરતસિંહ અને કાંતિભાઈ સિવાય તમામ નેતાઓએ કોરોનાને મ્હાત આપી છે.