પત્રમાં લખ્યું ’’મંત્રીઓ-અધિકારીઓ હોદ્દાનું માન-સન્માન જાળવતા નથી’…
આ મારા એકલાનો અવાજ નથી, તમામ જન પ્રતિનિધીઓનો અવાજ છે : કેતન ઇનામદાર
વડોદરા : હમણાં સુધી ગુજરાતમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામા પડતા હતા. પરંતુ હવે રાજનામાનો વાયરસ કમલમ પહોંચ્યો હોય તેમ આજે વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના યુવા ધારાસભ્ય કેતન ઇનામદારે એકાએક ધારાસભ્યપદેથી રાજીનામુ આપતાં ગુજરાતમાં ભાજપની નેતાગીરીને આંચકો લાગ્યો હતો. કહેવાય છે કે વડોદરાને એઇમ્સ હોસ્પિટલ નહીં મળતાં તેઓ નારાજ હતા અને તેથી રાજીનામુ આપ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે સાચુ કારણ તો હવે પછી બહાર આવી શકે.
સૂત્રોએ જણાવ્યું કે સાવલીના ધારાસભ્ય કેતન દ્વારા આજે અચાનક રાજીનામુ આપતાં ભાજપને આંચકો લાગ્યો હતો. અને પક્ષમાં ચાલી રહેલો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો હતો. તેમના રાજીનામાથી વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સભ્ય સંખ્યા ૧૦૩થી ઘટીને ૧૦૨ થઇ ગઇ હોવાનું પણ જાણવા મળે છે.
સૂત્રોએ વધુમાં કહ્યું કે કેતન સૌપ્રથમ અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે પક્ષને અને સરકારને એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે.
કહેવાય છે કે પોતાના મતવિસ્તારના પ્રજાકિય કામો પોતાની જ સરકાર હોવા છતાં નહીં થતા નારાજ ચાલી રહ્યાં હતા. ઉપરાંત એઇમ્સ હોસ્પિટલ સીએમ વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટને ફાળવાતા તેઓ નારાજ હતા.
તેમની માંગણી હતી કે એઇમ્સ માટે વડોદરા સૌથી યોગ્ય સ્થળ છે. પરંતુ તેમની વાત ધ્યાને ન લેવાતા રાજીનામુ આપ્યું છે.
નોંધનીય છે કે અત્યારસુધી કોંગ્રેસમાંથી જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, આશાબેન પટેલ, કુંવરજી બાવળિયા વગેરે.ના રાજીનામાંના સમાચારો આવતા હતા. હવે ભાજપમાં કોંગ્રેસવાળી થઇ છે. ગુજરાત ભાજપ અને સરકાર માટે પોતાના ધારાસભ્યનું રાજીનામુ એક પડકારસમાન કહી શકાય.