ન્યુ દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થઇ છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધિત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દાયકાનું પહેલું સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. ભારતના ઉજવણ ભવિષ્ય માટે આ દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આથી પ્રારંભથી જ આઝાદીના દીવાનાઓએ જે સપનાં જોયાં હતાં તે સપનાઓને પૂરા કરવા માટે રાષ્ટ્ર સામે એક સોનેરી તક છે.
પીએમ મોદીએ કહ્યું કે, આવું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બન્યુ કે ૨૦૨૦માં એક નહીં, પરંતુ નાણામંત્રીને જુદા-જુદા પેકેજ સ્વરૂપે એક પ્રકારના ચાર-પાંચ મિની બજેટ આપવા પડ્યાં. એટલે કે, ૨૦૨૦માં એક પ્રકારે મિની બજેટનો સિલસિલો ચાલુ રહ્યો. આથી આ બજેટ પણ તે ચાર બજેટોની શ્રૃંખલામાં જોવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે.
વડાપ્રધાને કહ્યું કે, આ સત્રનો ભરપૂર ઉપયોગ થાય અને સત્રમાં સમગ્ર દાયકાને ધ્યાનમાં રાખીને ચર્ચા થાય. ઉત્તમ મંથનથી ઉત્તમ અમૃત પ્રાપ્ત થાય, તે દેશની અપેક્ષાઓ છે.