ખેડૂતોને શાંતિ સાથે પ્રદર્શન કરવાનો અધિકારઃ યુએન મહાસચિવના પ્રવક્તા…
યુએન : કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવેલા નવા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂતો આંદોલનની ચર્ચા કેનેડા, બ્રિટન પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ થવા લાગી છે. ભારત તરફથી આંતરિક મુદ્દો હોવા પર વિદેશી નેતાઓને દખલગીરી ન કરવાની સલાહ આપ્યા બાદ પણ કેનેડાના વડાપ્રધાને નિવેદન આપ્યુ હતું, જે પછી બ્રિટનના કેટલાક સાંસદોએ તેમની સરકારને દખલ દેવા માટે માંગ કરી હતી, પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસના પ્રવક્તાએ પણ નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને શાંતિથી પ્રદર્શન કરવાનો અધિકાર છે અને તેમને આંદોલન કરવા દેવુ જોઇએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટેફને ડુજારિકે શુક્રવારે નિવદેન આપ્યુ હતું કે, લોકોને શાંતિ સાથે પ્રદર્શન કરવાનો અધિકાર છે અને સત્તા તેઓને પ્રદર્શન કરવા દે.
ભારત સરકાર તરફથી આ મુદ્દે સ્પષ્ટ રીતે ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ ભારતનો આંતરિક મુદ્દો છે અને કેટલાક વિદેશી નેતા અણસમજ ભર્યા અને બિનજરુરી નિવેદન આપી રહ્યા છે. ભારતે કેનેડાને સ્પષ્ટતા સાથે કહ્યુ હતું કે આવુ જ રહ્યુ તો બંને દેશોના સંબંધો ખરાબ થશે. જોકે કેનેડાના પીએમ એ ભારતની સલાહની અવગણના કરતાં કહ્યુ હતું કે તેમનો દેશ શાંતિપૂર્ણ આંદોલનના અધિકારને સમર્થન આપે છે.
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન બ્રિટનમાં પણ કેટલાક સાંસદોએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી. બ્રિટનમાં ભારતીય મૂળ અને પંજાબ સાથે સંકળાયેલા ૩૬ સાંસદોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.