હૈદરાબાદ : દેશમાં કોવિડ-૧૯નો સૌથી પહેલો કન્ફર્મ કેસ કેરળમાં ૩૦મી જાન્યુઆરીએ નોંધાયો હતો. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભારતમાં કોરોના વાયરસ નવેમ્બર ૨૦૧૯થી જ ફેલાઈ રહ્યો હતો. વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય તો કોરોના વાયરસના ઈન્ડિયન સ્ટ્રેનનો મોસ્ટ રિસેન્ટ કોમન એન્સેસ્ટર નવેમ્બર ૨૦૧૯થી જ ફેલાઈ રહ્યો છે.
દેશની ટોચની રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ટોપ વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, વુહાનના નોવેલ કોરોના વાયરસ સ્ટ્રેનના પહેલાના રૂપના સ્ટ્રેન ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી પ્રસાર થઈ રહ્યા હતા. ટાઈપ ટુ મોસ્ટ રિસેન્ટ કોમન અન્સેસ્ટર નામની વૈજ્ઞાનિક ટેકનિકનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ આ અનુમાન લગાવ્યું કે હાલમાં તેલંગાણા અને અન્ય બીજા રાજ્યોમાં કોરોના વાયરસનો જે સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે તે ૨૬ નવેમ્બર અને ૨૫ ડિસેમ્બર વચ્ચે પેદા થયો હતો. તેની એવરેજ તારીખ ૧૧ ડિસેમ્બર છે.
સવાલ ઉઠે છે કે શું ભારતમાં ૩૦ જાન્યુઆરી પહેલા જ ચીનથી આવનારા પેસેન્જરો દ્વારા કોરોના વાયરસ પહોંચી ગયો હતો? તેનો જવાબ સ્પષ્ટ નથી કારણ કે તે સમયે દેશમાં મોટી સંખ્યામાં કોવિડ-૧૯ના ટેસ્ટ નહોતા થઈ રહ્યા.
હૈદરાદબાદ સ્થિત સેન્ટર ફોર સેલુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજીએ કોરોના વાયરસના ભારતીય સ્ટ્રેનના એમઆરસીએની ટાઈમિંગનું અનુમાન લગાવવા સાથે નવા સ્ટ્રેન અથવા ક્લેડની પણ શોધ કરી છે, જે હાલના સ્ટ્રેનથી અલગ છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનને ક્લેડ I/A3i નામ આપ્યું છે.
કેરળમાં મળેલા ભારતના પહેલા કોરોના કેસના સ્ટ્રેન વુહાન સાથે જોડાયેલા હતા, પરંતુ હૈદરાબાદમાં કોરોનાના જે નવા સ્ટ્રેનની શોધ થઈ તે ચીન નહીં પરંતુ દક્ષિણ-પૂર્વ અશિયાના કોઈ દેશના છે. સીસીએમબીના ડાયરેક્ટર ડોક્ટર રાકેશ કે. મિશ્રાએ જણાવ્યું કે, નવો સ્ટ્રેન કયા દેશમાં પેદા થયો છે તેની ખબર નથી, પરંતુ આ ચીનનો નથી, કોઈ દક્ષિણ-પૂર્વ અશિયાઈ દેશનો છે.