ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાના કેસમાં ગઈકાલે સામાન્ય વધારો નોંધાયા બાદ આજે ૫૦૦૦ જેટલો ઘટાડો નોંધાયો છે. કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે મૃત્યુઆંક પણ લાંબા સમય પછી ૨૦૦૦ની અંદર આવી ગયો છે અને એક્ટિવ કેસ પણ ૭૩ દિવસ પછી ૮ લાખની અંદર આવ્યા છે. આ રીતે બીજી લહેર શાંત થઈ ગઈ છે અને જનજીવન ફરી સામાન્ય બનતું દેખાઈ રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૨,૪૮૦ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક ૨૦૦૦ની અંદર આવી ગયો છે. ૨૪ કલાકમાં કુલ ૧,૫૮૭ દર્દીઓના મોત થયા છે. પાછલા ૨૪ કલાકમાં મૃત્યુઆંક ૨,૩૩૦ નોંધાયો હતો. જ્યારે નવા સંક્રમણની સંખ્યા ૬૭,૨૦૮ હતી.
ભારતમાં કોરોનાના વધુ ૮૮,૯૭૭ દર્દીઓ સાજા થવાથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૮૫,૮૦,૬૪૭ પર પહોંચી ગઈ છે. જ્યારે વધુ ૬૨ હજાર કેસ સાથે કુલ કેસનો આંકડો ૨,૯૭,૬૨,૭૯૩ સાથે ૩ કરોડની નજીક પહોંચી ગયો છે.
વર્લ્ડોમીટર.કોમ પ્રમાણે દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ૩.૪૩ કરોડને પાર થઈ ગયા છે. જે પછી ૨.૯૭ કરોડ સાથે ભારત બીજા નંબરે અને ૧.૭૭ કરોડ સાથે બ્રાઝિલ ત્રીજા નંબર પર છે. જોકે, મૃત્યુઆંક પ્રમાણે અમેરિકા પછી બ્રાઝિલ અને ભારત ત્રીજા નંબરે આવે છે.
ભારતમાં ૨૪ કલાકમાં ૧૫૮૭ મોત સાથે કુલ મૃત્યુઆંક ૩,૮૩,૪૯૦ પર પહોંચી ગયો છે. વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં ૬,૧૬,૪૪૦ અને બ્રાઝિલમાં ૪,૯૬,૧૭૨ દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોનાના નવા કેસ સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી એક્ટિવ કેસની સંખ્યા ૭૩ દિવસ પછી ૭,૯૮,૬૫૬ પર પહોંચી ગઈ છે.
૧૬ જાન્યુઆરીએ ભારતમાં કોરોનાની રસી માટે જે અભિયાનનો પ્રારંભ કરવામાં આપ્યો હતો તેમાં આજે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે રસીના કુલ ૨૬,૮૯,૬૦,૩૯૯ ડોઝ આપવામાં આવ્યા છે.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં કુલ ૩૮,૭૧,૬૭,૬૯૬ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૭ જૂનના રોજ ૧૯,૨૯,૪૭૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.