Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ થશે શરૂ…

ઇંગ્લેન્ડ ૩૫ વર્ષથી ભારત સામે ચેન્નાઈમાં જીત્યું નથી…

ચેન્નાઈ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૪ ટેસ્ટ મેચની શ્રેણી આજથી શરૂ થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. ઇંગ્લેન્ડની ટીમ ૩૫ વર્ષથી ભારતને આ મેદાન પર હરાવી શકી નથી. ઇંગ્લિશ ટીમે છેલ્લે ૧૯૮૫માં ચેપોકમાં જીત મેળવી હતી. આ પછી, ભારતે આ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે સતત ૩ ટેસ્ટ જીતી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં છેલ્લી ટેસ્ટ ૨૦૧૬માં રમાઈ હતી. ત્યારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને ઇનિંગ્સ અને ૭૫ રનથી માત આપી હતી. ૪ વર્ષ પછી બંને ટીમો ફરી એક વખત અહીં આમને-સામને થશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લીવ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. ભારતમાં ૧૦ મહિના અને ૨૬ દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. છેલ્લા ૨૮ વર્ષમાં દેશમાં બે આંતરરાષ્ટ્રીય મેચો વચ્ચે આ સૌથી લાંબુ અંતર હશે.
ભારતમાં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ૧૦ માર્ચ ૨૦૨૦ના રોજ ગ્રેટર નોઈડામાં આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ પછી, કોરોનાને કારણે કોઈ મેચ થઈ ન હતી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને તેના ઘરે હરાવીને પરત ફરી છે. સીનિયર નહીં પણ યુવા ખેલાડીઓના દમ પર ભારતે ટેસ્ટ શ્રેણી ૨-૧થી જીતી હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકાનો તેના ઘરઆંગણે ૨-૦થી વ્હાઇટવોશ કરીને ભારત આવી છે. તેવામાં બંને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ભારતીય ટીમ ચેપોકમાં છેલ્લા ૨૨ વર્ષથી એક પણ ટેસ્ટ હારી નથી.
ભારતે છેલ્લે જાન્યુઆરી ૧૯૯૯માં પાકિસ્તાન સામે ૧૨ રને મેચ ગુમાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ અહીં ૮ ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ભારત ૫ જીત્યું છે અને ૩ મેચ ડ્રો રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં અત્યાર સુધીમાં ૯ ટેસ્ટ મેચ રમાઈ છે. આમાં ભારતીય ટીમે ૬ મેચ જીતી છે. ઇંગ્લેન્ડે ૨ ટેસ્ટ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.

Related posts

સૌથી ઝડપી ૪,૦૦૦ રન અને ૧૫૦ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો સ્ટોક્સ

Charotar Sandesh

રોહિત શર્મા ઓસી બોલરો માટે સૌથી મુશ્કેલ પડકાર સાબિત થશે : લાયન

Charotar Sandesh

બુમરાહ રણજી ટ્રોફીમાં નહીં રમે : સૌરવ ગાંગુલી

Charotar Sandesh