ભયજનકઃ દેશમાં દર કલાકે કોરોનાના ૧૮૭૬ કેસ અને ૪૭ના મોત
– દેશમાં કુલ પોઝિટિવ કેસ ૧૨,૩૮,૬૩૫, કુલ મૃત્યુઆંક ૨૯,૮૬૧,છેલ્લા ૨૨ દિવસમાં સાડા છ લાખ કેસ સામે આવ્યા,સૌથી હાઇએસ્ટ કેસ મામલે ભારતે બ્રાઝિલને પછાડ્યું હવે ફક્ત અમેરિકા જ આગળ
– મહારાષ્ટ્રમાં પહેલી વખત એક દિવસમાં ૧૦ હજારથી વધુ સંક્રમિત મળ્યા
– મણિપુરમાં ગુરુવારથી ૧૪ દિવસનું લોકડાઉન લાગુ, ભોપાલમાં ૨૪ જુલાઈ રાતે ૮ વાગ્યાથી ૧૦ દિવસ સુધી લોકડાઉન
ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાના કેસોમાં હાહાકાર મચી ગયો છે. કેસોમાં જાણે કે વિસ્ફોટ થયો હોય ૨૪ કલાકમાં ૪૫ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. તો કોરોનાને કારણે આ જ સમયગાળામાં મરનારાઓની સંખ્યાં પણ સૌથી વધુ ૧૧૩૦ સામે આવતાં ચિંતા વ્યાપી ગઇ હતી. જો કે તેની સામે રિકવરી રેટ પણ વધ્યો હોવાનું સરકારે દાવો કર્યો હતો. આજે ગુરૂવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરાયા ત્યારે આંચકારૂપ ૪૫,૬૦૧ કેસો સામે આવ્યાં હતા. અત્યાર સુધીમાં ૩૦ હજારની આસપાસ આવતાં કેસો હવે ૪૦ હજારની ઉપર પહોંચી ગયા છે. દર કલાક પ્રમાણે ગણીએ તો બુધવારે દેશમાં અનલોક-૨ના ૨૨મા દિવસે પ્રતિ કલાકે ૧૮૭૬ જેટલા કેસો નોંધાયા તો દર કલાકે ૪૭ના મોત થયા હતા. અને સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં પાંચ આંકડામાં ૧૦,૫૭૬ નોંધાયા હતા. બીજા નંબરે હવે આંધ્રમાં ૬,૦૪૫ કેસો સામે આવ્યાં હતા. ત્રીજા નંબરે તામિલનાડુમાં ૫,૮૪૯ કેસો નોંધાયા હતા. કુલ મૃત્યુઆંક પણ વધીને ૩૦ હજારની નજીક એટલે કે ૨૯,૯૮૦ સુધી પહોંચી ગયો હતો. કેસો વધતાં મણિપુરમાં ગુરુવારે બપોરે ૨ વાગ્યાથી ૧૪ દિવસનું લોકડાઉન નો નિર્ણય લેવાયો છે. ભારતમાં કોરોનાના વધતા કેસો સામે રીકવરી રેટ ૬૩ ટકાએ પહોચી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે ગુરૂવારે સવારે કોરોના કેસોના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૪૫ હજાર ૭૨૦ કેસ સામે આવ્યા છે. સાથે જ ૧,૧૩૦ લોકોના મોત થયા છે. આ પ્રકારે દેશમાં સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખ ૩૮ હજાર ૬૩૫ થઈ ગઈ છે. જેમાં ૪ લાખ ૨૬ હજાર ૧૬૭ કેસ સારવાર હેઠળ છે.સાથે જ ૭ લાખ ૮૪ હજાર ૨૬૭ દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી ૨૯ હજાર ૮૬૧ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૦,૫૭૬ કેસ મળ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. રિકવરી રેટમાં દિલ્હી સૌથી આગળ ૮૪.૮૩ ટકા જયારે લદાખમાં ૮૪.૩૧ ટકા થયો છે.
દરમ્યાનમાં, કેસો વધતાં તકેદારીના પગલારૂપે મણિપુરમાં ગુરુવારે બપોરે ૨ વાગ્યાથી ૧૪ દિવસનું લોકડાઉન લાગશે. ભોપાલમાં ૨૪ જુલાઈની રાતે ૮ વાગ્યાથી ૧૦ દિવસનું લોકડાઉન લગાવાશે. મધ્યપ્રદેશના એક કેબિનેટ મંત્રી કોરોના પોઝિટિવ થયા છે. જો કે, તેમનું નામ સામે આવ્યું નથી. બુધવારે તેઓ કેબિનેટ મીટિંગમાં પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તે લખનઉમાં લાલજી ટંડનના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયા હતા. મંત્રીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
દુનિયાના લોકો કોરોનાથી ડરે છે. ત્યારે ભારતની સ્થિતિ પણ કંઈક એવી જ છે. કોરોનાના રોજેરોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ ભારતમાં કોરોનાના કેસોમાં વધારાની સાથે સાથે રીકવરીમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં કોરોનાના વધતા કેસો સામે રીકવરી રેટ ૬૩ ટકાએ પહોચી ગયો છે. જે ભારત માટે એક રીહત સમાન કહી શકાય કોરોનાથી ડરવાની જરૂર નથી ફકત કોરોના માટે કાળજી રાખવાની જરૂર છે. કોરોનાના કેસોમાં રિકવરી રેટ વધતા તેને એક સારી બાબત તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બુધવારે જણાવ્યું કે, ૨૨ જુલાઈ સુધી ૧ કરોડ ૫૦ લાખ ૭૫ હજાર ૩૬૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૩ લાખ ૫૦ હજાર ૮૨૩ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
ભોપાલમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે ૨૪ જુલાઈની રાતે આઠ વાગ્યાથી દસ દિવસનું લોકડાઉન રહેશે. આ સાથે જ વિવિધ વિસ્તારના અલગ અગલ આપવામાં આવેલા આદેશ પણ રદ કરી દેવાયા છે. તમામ બજાર ગુરુવાર અને શુક્રવારે પહેલાની જેમ ખુલ્લા રહેશે. અત્યાર સુધી તમામ વિસ્તારમાં શુક્રવાર રાતથી સીધા ૧૦ દિવસ એટલે ૩ ઓગસ્ટ સુધી લોકડાઉન રહેશે. શહેરમાં લગભગ દોઢ મહિના પછી ફરીથી લોકડાઉન લગાવાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના સાંગલીમાં ૨૨ જુલાઈની રાતે ૧૦ વાગ્યાથી ૩૦ જુલાઈ સુધી લોકડાઉન લગાવાયું છે. મહારાષ્ટ્રઃ પૂણેમાં બુધવારે સૌથી વધુ ૩,૬૦૬, જ્યારે મુંબઈમાં ૧,૩૧૦ નવા કેસ સામે આવ્યા હતા. પૂણેમાં હવે ૬૩,૩૫૧ અને મુંબઈમાં ૧ લાખ ૪ હજાર ૬૭૮ દર્દી મળી ચુક્યા છે. સાંગલીમાં ૨૨ જુલાઈની રાતે ૧૦ વાગ્યાથી ૩૦ જુલાઈ સુધી લોકડાઉન લગાવાયું છે.