સ્પોટ્ર્સ વેબસાઇટ ક્રિકબઝ સાથે વાતચીતમાં હાર્દિક પંડ્યાએ કહ્યું…
નવી દિલ્હી : ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ થોડા દિવસ અગાઉ લગ્ન પહેલા જ બાપ બનવાનો છે તેવી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. હાલ તે કમરની ઈજાના કારણે ટેસ્ટ ક્રિકેટનું જોખમ લેવા નથી માંગતો અને માત્ર મર્યાદીત ઓવરના ફોર્મેટમાં રમવા માંગે છે. સપ્ટેમ્બર ૨૦૧૮થી હાર્દિક ટેસ્ટ રમ્યો નથી પરંતુ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં પોતાનું સ્થાન નક્કી કરી ચુક્યો છે. ગત વર્ષે કમરના ઓપરેશન બાદ તે ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા આતુર છે. સ્પોટ્ર્સ વેબસાઇટ ક્રિકબઝ સાથે વાતચીતમાં તેણે કહ્યું, હું ખુદને બેકઅપ ફાસ્ટ બોલર તરીકે જોઈ રહ્યો છું. કમરની સર્જરી બાદ હાલ ટેસ્ટ ક્રિકેટ રમવું પડકારભર્યુ હશે. જો હું માત્ર ટેસ્ટ ક્રિકેટર હોત તો રમી લેત પરંતુ હું આમ ન કરી શકું. કારમકે મર્યાદીત ઓવરના ક્રિકેટમાં મને મારી ઉપયોગીતાની ખબર છે. ૨૦૧૮માં એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં મેદાનમાંથી સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યો તે અંગે કહ્યું, મને લાગ્યું કે મારી કરિયર ખતમ થઈ ગઈ છે. મેં ક્યારેય કોઈને આ રીતે સ્ટ્રેચર પર જતા નથી જોયા. મારું દર્દ ઓછું થવાનું નામ નહોતું લેતું પરંતુ મારી શરીર તરત રિકવરી મોડમાં જતું રહ્યું. આરામ પર જતાં પહેલા એશિયા કપ આમ પણ મારી અંતિમ ટુર્નામેન્ટ હતી અને આ દરમિયાન ઈજા થઈ ગઈ. તેણે એમ પણ સ્વીકાર્યું કે, કરિયરમાં એક સમય એવો હતો કે બીજાની વાતની ખૂબ અસર થતી હતી અને હું વિચલિત થઈ જતો હતો. પરંતુ મારી આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કોચ રિકી પોન્ટિંગે મને એક બાળકની જેમ સંભાળ્યો. હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું.