૧૯૯૦ થી ડબ્લ્યુડબ્લ્યુએફની રિંગમાં રહેલા…
નવી દિલ્હી : વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટના મહાન પહેલવાન અન્ડરટ્રેકરે ડબલ્યુડબલ્યુઇમાંથી પોતાના ચાહકોનો આભાર માનતા નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતાં તેણે કહ્યું કે હવે તેમને રિંગમાં હાંસલ કરવા માટે કોઈ ધ્યેય બાકી રહ્યો નથી. ૧૯૯૦ થી ડબ્લ્યુડબ્લ્યુએફની રિંગમાં રહેલા અને કરોડો સમર્થકોનું મનોરંજન કરનારા પહેલવાને તાજેતરમાં જારી કરેલી તેના જીવન પર આધારિત દસ્તાવેજી શ્રેણી ‘ધ લાસ્ટ રાઇડ’ માં આ ઘોષણા કરી હતી.
અન્ડરટ્રેકરે કરિયર દરમિયાન દરેક ચેમ્પિયનશિપ અને લગભગ દરેક સંભવિત ઇવેન્ટમાં જંગી સફળતા મેળવી હતી પરંતુ તાજેતરમા ગાળામાં તેણે પોતાનો એ ચાર્મ ગુમાવી દીધો હતો. તેણે રેસલમેનિયા ૩૩માં રોમન રેન્સનો મુકાબલો કરવો પડ્યો હતો. જો કે, અંડરટેકરે કહ્યું કે તે તેની કારકીર્દિના તે તબક્કે છે જ્યાં તેની અંદરના યોદ્ધાએ હવે આરામ કરવો જોઈએ. રિંગમાં હવે મારા માટે કોઈ ગોલ બાકી રહ્યો નથી.
મને લાગ્યું કે આ સાચો સમય હતો. આ દસ્તાવેજી શ્રેણીએ મારી આંખો ખોલી છે અને મને વ્યાપક ચિત્ર જોવા માટે મદદ કરી છે. આથી જ છેલ્લા કેટલાક વર્ષોમાં મારી જાત પ્રત્યેનું મારું વલણ બદલાયું છે. મને લાગે છે કે હું રિંગની અંદરની જગ્યાએ હવે બહાર રહીને વધારે સારું કામ કરી શકું એમ છું.