મુંબઇ : મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં એક ત્રણ માળની બિલ્ડિંગ રવિવારે મોડી રાત્રે પત્તાની જેમ તૂટી પડી હતી. બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા સેવાઇ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ૧૯૮૪માં બનેલ જીલાની એપાર્ટમેન્ટના મકાન નંબર ૬૯ નામની અડધી બિલ્ડિંગ મોડી રાત્રે તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. કેટલાક લોકો હજી ફસાયેલા હોવાની આશંકા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ માળના મકાનના ૨૧ ફ્લેટમાં ઘણા લોકો સૂતા હતા. અચાનક રાત્રે ૩.૨૦ વાગ્યે ભિવંડીના પટેલ કમ્પાઉન્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અત્યારે સ્થાનિક નાગરિકો અને મનપાની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઇ છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમે થાણેના ભિવંડીમાં મકાન ધરાશાયી થવાના સ્થળે એક બાળકને કાટમાળ નીચેથી બચાવી લીધો હતો. આજની ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે.
આપને જણાવાનું કે ગયા મહિને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં એક પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. મહાડ શહેરમાં તારિક ગાર્ડન નામની પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં આશરે ૫૦ લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. તે મકાન જૂનું નહોતું. તળાવના કાંઠે બનાવવામાં આવેલું મકાન માત્ર દસ વર્ષ જૂનું હતું.
જિલ્લા કલેકટર નિધિ ચૌધરીએ વાત કરતા આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે આ બિલ્ડિંગ ૧૦ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. પણ સમજાતું નથી કે આ બિલ્ડિંગ કેમ પડી? તેઓએ કહ્યું કે તે તળાવની પાસેની એક ઇમારત હતી. મકાનો બનાવવા માટે ડિઝાઇન કરવામાં અથવા ખરાબ સામગ્રીમાં સમસ્યા હતી, આ બધી તપાસનો વિષય છે.