મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ, મુખ્યમંત્રીએ ૫ લાખની સહાય જાહેર કરી…
ધૂલે,
મહારાષ્ટ્રની એક કેમિકલ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ કંપનીમાં આગ લાગી હતી. આગમાં ૧૨ મજૂરોના દાજી જવાના કારણે મોત થયા હતા. આ કેમિકલ કંપનીમાં ક્યાં કારણે બ્લાસ્ટ થયો છે, તે હજુ જાણવા મળ્યું નથી. જો કે, આ ઘટનામાં મૃત્યુ આંક વધે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક રીપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના ધૂલેના વાઘાડીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી. બ્લાસ્ટ થતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર ફાયટરો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને કેમિકલ કંપનીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાનું કામગીરી શરૂ કરી હતી. ફાયરના જવાનો દ્વારા ૫૮ જેટલા દાજી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનામાં દાજી જવાના કારણે ૧૨ લોકોના મોત નીપજ્યા હતા અને હજુ પણ આ મૃત્યુ આંક વધે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થવાથી દૂર દૂર સુધી તેના ધુમાડાઓ દેખાતા હતા. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થાનિક લોકોને ઘટના સ્થળથી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર કંપનીમાં હજુ પણ કેટલાક કર્મચારીઓ ફસાયા છે અને તેમનું રેસ્ક્યુ ફાયરના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. કંપનીના બ્લાસ્ટ થયા પછી આગ લાગવાની પણ ઘટના બની હતી. આગના કારણે ફાયરના જવાનોને લોકોના રેસ્ક્યુ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકના પરિવારજનોને રૂ. પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.