-
ભંડારાની હોસ્પિટલમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઇ, સાત બાળકોને બચાવાયા…
-
ન્યૂબોર્ન કેર યુનિટમાં ૧૭ બાળકો હતાં,ત્રણ નવજાત બાળકોના આગમાં ભડથૂ થતા તો સાતના શ્વાસ રુંધાવાથી મોત થયા, સમગ્ર ઘટના મામલે મુખ્યમંત્રી ઠાકરેએ તપાસના આદેશ આપ્યા, મૃતક શીશુના પરિવારોને ૫-૫ લાખનું વળતર આપશે સરકાર…
-
રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું…
મુંબઇ : મહારાષ્ટ્રના ભંડારામાં શનિવારે મોટી દુર્ઘટના બની ગઈ છે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાતે બે વાગ્યે આગ લાગી ગઈ હતી, જેમાં ૧૦ બાળકનાં મોત થયાં છે, જેમની ઉંમર એક દિવસથી માંડી ૩ મહિના સુધીની છે. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે.
સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ જણાવ્યું હતું કે આગ સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સવારે ૨ વાગ્યે લાગી હતી. યુનિટમાંથી સાત બાળકને બચાવી લેવાયાં છે, સાથે જ દસ બાળકનાં મોત થયાં છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ કે અત્યાર સુધીમાં જાણકારી મળી છે. તેના જણાવ્યાનુસાર ૩ નવજાત બાળકોના આગમાં ભડથૂ થવાથી મોત થયા છે જ્યારે સાતના શ્વાસ રુંધાવાથી મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ સમગ્ર ઘટનની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલામાં કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે પ્રત્યેક મૃતક શીશુના પરિવારના સભ્યોને ૫ લાખ રુપિયા વળતર આપવામાં આવે છે.
મળતી માહિતી પ્રમાણે, આ વોર્ડમાં લગભગ ૧૭ બાળક હતાં. અહીં નાજુક સ્થિતિવાળાં બાળકોને રાખવામાં આવે છે. સૌથી પહેલા એક નર્સે વોર્ડમાંથી ધુમાડો નીકળતાં જોયો. તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને આની જાણ કરી. ત્યાર પછી સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. આની ફાયરબ્રિગેડને પણ જાણ કરી દેવાઈ. ફાયરકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘટના પછી હોસ્પિટલની બહાર ભીડ ભેગી થઈ ગઈ છે. લોકોનો આરોપ છે કે ઘટના માટે હોસ્પિટલ તંત્ર જવાબદાર છે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ ટિ્વટ કરીને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ફડણવીસે દુર્ઘટનાની તપાસ કરવા અને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે, હોસ્પિટલમાં બાળકોના મોતથી ઘણું દુઃખ થયું છે. ઘટનામાં પોતાના બાળકોને ગુમાવનાર પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.
સાથે જ વડાપ્રધાન મોદીએ આને હૃદય કંપાવી દે તેવી ઘટના ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમે ઘણી કિંમતી નવી જિંદગીઓ ગુમાવી દીધી. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. મારી પ્રાર્થના છે કે ઘાયસ બાળકો ઝડપથી સાજા થઈ જાય.