Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં સરકારની પરવાનગી વગર સીબીઆઇને ‘નો એન્ટ્રી’

હવે સીબીઆઇ ટીઆરપી મુદ્દે મહારાષ્ટ્રમાં તપાસ નહીં કરી શકે…

સીબીઆઇને રાજ્યમાં કોઈપણ કેસની તપાસ પહેલાં મહારાષ્ટ્ર સરકારની પરમિશન લેવી પડશે
પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ આ નિર્ણય અમલમાં છે…

મુંબઇ : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સીબીઆઇને આપેલી જનરલ (ખુલ્લી કે સામાન્ય) પરમિશન પાછી ખેંચી લીધી હતી. હવે સીબીઆઇ ટીઆરપી મુદ્દે મહારાષ્ટ્રમાં તપાસ નહીં કરી શકે.
ઉત્તર પ્રદેશમાં અજ્ઞાત ટીવી ચેનલ્સ સામે ટીઆરપીના મુદ્દે ગોલમાલ કરવાના કેસની તપાસ સીબીઆઇ કરી રહી હતી. ઉદ્ધવને એવી શંકા હતી કે સીબીઆઇ આ મુદ્દે મહારાષ્ટ્રમાં પણ તપાસ કરશે. ઠાકરે સરકાર ઇચ્છતી નથી કે સીબીઆઇ ટીઆરપી મુદ્દે મહારાષ્ટ્રમાં તપાસ કરે. મહારાષ્ટ્રમાં સીબીઆઇની હાજરીને ઉદ્ધ દખલગીરી સમાન સમજે છે.
મુંબઇ પોલીસે છઠ્ઠી ઓક્ટોબરે એક એફઆઇઆર નોંધ્યા પછી એવો આક્ષેપ કર્યો તો કે રિપબ્લિક સહિત કેટલીક ટીવી ચેનલ્સ ટીઆરપીના મુદ્દે ગોલમાલ આચરે છે. રિપબ્લિક ટીવીએ મુંબઇ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા જ્યાં તેમના વતી ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેએ આ કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની માગણી કરી હતી. પરંતુ એ વિશે હાઇકોર્ટ કોઇ આદેશ આપે એ પહેલાં ઉદ્ધવે સીબીઆઇને આપેલી જનરલ પરમિશન પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.
અત્રે એ નોંધવું જોઇએ કે કેન્દ્ર સરકાર અને ભાજપ બંને આ ટીવી ચેનલ્સના સમર્થનમાં આગળ આવ્યા હતા અને મુંબઇ પોલીસની તપાસને મિડિયા સ્વાતંત્ર્ય પરના હુમલા સમાન ગણાવી હતી. આ કેસમાં મુંબઇ પોલીસે છ જણની ધરપકડ કરી હતી અને તેમના નિવાસસ્થાનેામાં પણ તપાસ કરી હતી જ્યાં સંબંધિત ટીવી ચેનલ્સે ઉચ્ચ રેટિંગ માટે સેંપલ સેટ લગાડ્યા હતા.
અત્યાર અગાઉ સીબીઆઇએ મુંબઇ પોલીસ પાસેથી અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસ લઇ લીધી હતી. ત્યારથી ઉદ્ધવ અકળાયેલા હતા. મુંબઇ પોલીસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે સીબીઆઇને તપાસ સોંપવાનો આદેશ આપ્યો હતો. બુધવારે ઉદ્ધવ ઠાકરેએ લીધેલા આ નિર્ણય પછી હવે સીબીઆઇએ મહારાષ્ટ્રમાં કોઇ કેસની તપાસ કરવી હોય તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે.
મહારાષ્ટ્રે પહેલાં પશ્વિમ બંગાળ, રાજસ્થાન અને છત્તીસગઢની સરકારો પણ આવા નિર્ણય લઈ ચૂકી છે. આ વર્ષે પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સીબીઆઇ પર પ્રતિબંધ લગાવી દીધો છે. છત્તીસગઢ સરકારે ૧૦ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ સીબીઆઇ પાસેથી જનરલ કન્સેન્ટ પાછી ખેંચી લીધી હતી. થોડાક મહિના પહેલાં રાજસ્થાનની ગેહલોત સરકારે પણ આ જ નિર્ણય લીધો હતો.

Related posts

રિલાયન્સનું એલાન : ૭૦૦માં મળશે jio Gigafiber ; વાર્ષિક પ્લાન પર ફ્રી LED TV…

Charotar Sandesh

રાહુલ ગાંધીએ પાર્ટીની પૂરી જવાબદારી સંભાળવી જોઇએ : શરદ પવાર

Charotar Sandesh

અમિત શાહે ગુજરાતની હોસ્પિટલોમાં ૯ ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું…

Charotar Sandesh