મુંબઈ : મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ સત્તામાં ભાગીદાર ત્રણે પાર્ટીઓમાં નારાજગી છે. કોંગ્રેસમાં તો એ હદે રોષ છે કે, કોંગ્રેસના ધારાસભ્ય સંગ્રામ થોપટેના સમર્થકોએ પૂણે ખાતે કોંગ્રેસના કાર્યાલયમાં જોરદાર તોડફોડ કરી હતી. મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના મંત્રીમડળમાં થોપટેને સ્થાન નહી મળ્યુ હોવાથી તેમના કાર્યકરોએ તોડફોડ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.
પોલીસે આ મામલામાં ૧૯ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે કહ્યુ હતુ કે, થોપટેના સમર્થકોએ મંગળવારે કોંગ્રેસ કાર્યાલયમાં હલ્લો બોલાવીને તોડફોડ મચાવી હતી.
કોંગ્રેસના કેટલાક નેતાઓ વિસ્તરણમાં ઉપેક્ષાથી નારાજ છે. તેમણે આ માટે કોંગ્રેસની નેતાગીરીને ફરિયાદ પણ કરી છે. જેમાં પૃથ્વીરાજ ચૌહાણ, પ્રણીતિ શિંદે, નસીમ ખાન, સંગ્રામ થોપટેનો સમાવેશ થાય છે. તેમનો આરોપ છે કે, સોનિયા ગાંધીને ગેરમાર્ગ દોરવામાં આવ્યા છે. આ નેતાઓ દિલ્હી સોનિયા ગાંધીને મળવા માટે પણ યોજના બનાવી રહ્યા છે. આ નેતાઓમાં નારાજગી એ વાતની છે કે, ૨૮૮ ધારાસભ્યો વાળી વિધાનસભામાં ૪૩ મંત્રીઓ બની ચુક્યા છે. આ સંજોગોમાં હવે કોઈ નવા નેતાને નજીકના ભવિષ્યમાં તક મળે તેવી શક્યતા ઓછી છે. મંત્રીમંડળમાં ૧૯ મંત્રીઓ રાજકીય પરિવારમાંથી જ આવે છે. તે મુદ્દે પણ નારાજગી છે.