Charotar Sandesh
ગુજરાત

મહારાષ્ટ્ર બાદ ગુજરાતને અલગ કાયદો મળ્યો, આતંકવાદી પ્રવૃત્તિઓ અટકશે…

૧૬ વર્ષ બાદ ગુજકોક કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી…

ગાંધીનગર : ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીનું નિયંત્રણ થાય તે માટે ૨૦૦૩માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત વિધાનસભામાં ગુજકોકનો કાયદો પસાર કરીને કેન્દ્રને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. જે કાયદાને ૧૬ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા વિધેયકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે જેના કારણે રાજ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે અને પોલીસ અધિકારીઓને પુરતું બળ પણ મળશે એવું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, સંગઠીત ગુના ખોરી કે જેને કોઇ રાષ્ટ્રીય સીમાઓ લાગુ પડતી નથી તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે માટે ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે જેને આજે મંજૂરી મળી છે.
આ કાયદાના અમલથી સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલીંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રીત થશે.
ઉપરાંત કોઇપણ સ્વરૂપે થતાં સાયબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથે સાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે તેનું પણ નિયંત્રણ થશે. સંગઠિત ગુનાખોર સિન્ડીકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે તે સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે.
મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ને મંજૂરી મળતાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે.
આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે.
વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લીક પ્રોસિક્યુટર, વધારાના પબ્લીક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂક કરાશે જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે.
આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલ પુરાવા ગ્રાહ્ય રખાશે તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબુલાતને પણ વિચારણામાં લેવાશે તથા સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરુ પાડવામાં આવશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલ મિલકતને ટાંચમાં લેવા અને સરકારને હસ્તક્ષેપ થવાની જોગવાઇ કાયદામાં કરાઇ છે.

Related posts

વડોદરાના પાદરામાં ૪ પ્રાથમિક શાળાઓના ૫ શિક્ષકો થયા કોરોના સક્રમિત…

Charotar Sandesh

આંકડા છુપાવે છે રૂપાણી સરકાર, રાજ્યમાં ૨ લાખથી વધુના કોરોનાથી મોત – કોંગ્રેસ

Charotar Sandesh

વડાપ્રધાને કેવડિયામાં જંગલ સફરી સહિત ત્રણ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું…

Charotar Sandesh