ખાનપુર : હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં મધ્ય ગુજરાતના સાત જિલ્લાના તમામ ૫૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગરના ખાનપુરમાં ૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્યા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ભાદર નદીમાં નવા નીરની આવક થતા બે કાંઠે વહી રહી છે.
ભેજયુક્ત પવનો ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશના આજુબાજુના વિસ્તારોમાં ફેલાયેલા વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમના કારણે આવી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ ખાતે ડેવલપ થયેલા વેલ માર્ક લો પ્રેસરની અસરના પગલે ૨૫ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે ૨૫ ઓગસ્ટ બાદ વરસાદી ગતિવિધિ થોડી ઓછી રહેશે. હાલ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર રહેલું વેલ માર્ક લો પ્રેશર રાજસ્થાન તરફ વધી રહ્યું છે. જ્યારે અપર એર સર્ક્યુલેશનનો અમુક ભાગ ઉત્તર ગુજરાત સુધી ફેલાયેલો છે.