તમામ પ્રકારની અટકળોનો અંત : વિન્ડીઝ પ્રવાસે ધોની નહિ જાય પરંતુ બે મહિના પોતાની પેરામિલિટ્રી રેજીમેન્ટ સાથે સમય પસાર કરશે…
નવી દિલ્હી,
ભારતના દિગ્ગજ વિકેટ કીપર – બેટ્સમેન – પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના સન્યાસ અને વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે ન જવાની તમામ અટકળો પર વિરામ લગાવી દીધુ છે. ૩૮ વર્ષીય ધોનીએ બીસીસીઆઈને જણાવ્યુ છે કે તેઓ હાલ બે મહિના કોઈપણ પ્રકારના ક્રિકેટ માટે ઉપલબ્ધ નહિ રહે. ધોની આવતા બે મહિના માટે પેરા સૈન્ય રેજીમેન્ટમાં સામેલ થઈ રહ્યા છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે ટીમ ઈન્ડીયા સાથે વિન્ડીઝના પ્રવાસે નહિ જાય. ભારતીય ટીમ ૩ ઓગષ્ટથી વેસ્ટ ઈન્ડીઝનો પ્રવાસ શરૂ કરશે. ભારત આ દરમિયાન ૩ ટી-૨૦, ૩ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે. આવતીકાલે આ પ્રવાસ માટેની ટીમની પસંદગી થવાની છે.
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યુ છે કે ધોનીએ એવુ કહ્યુ છે કે વિન્ડીઝના પ્રવાસે તે નહિ જાય. તેઓ આવતા બે મહિના માટે પેરામિલિટ્રી રેજીમેન્ટમાં સમય વિતાવશે. ધોનીએ આવતીકાલે યોજાનારી પસંદગીકારોની બેઠક પહેલા આ ફેંસલો લીધો છે. તેમણે કેપ્ટન કોહલી અને એમએસકે પ્રસાદને પણ આ અંગેની જાણ કરી છે.