ન્યુ દિલ્હી : ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ આજે ડિસેમ્બર કવાર્ટરના પરિણામો રજૂ કરતા નફામાં ૫%નો વધારો દર્શાવ્યો છે. કંપનીએ ઉત્પાદન પડતર પર લગામ કસતા, મેટલ સહિતની કોમોડિટીના નીચા ભાવ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થતા નફામાં વૃદ્ધિ દર્શાવી છે. જોકે સામે કંપનીએ આપેલ પ્રમોશન અને સેલ ડિસ્કાઉન્ટની હારમાળા અને ઉંચા ઘસારા ખર્ચને કારણે નફા મર્યાદિત જ રહ્યો છે.
ઓક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૯માં મારૂતિનો નફો વાર્ષિક ૫.૧% વધીને ૧૫૬૫ કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન કુલ ૪,૩૭,૩૬૧ યુનિટ વાહનો વેચ્યા છે,જે ગત વર્ષની સરખામણીએ ૨% વધુ છે. ઘરેલું માર્કેટમાં વેચાણ પણ ૨% જેટલું જ વધીને ૩,૧૩,૬૯૮ યુનિટ રહ્યું છે. ગત કવાર્ટરમાં મારૂતિની કુલ ૨૩,૬૬૩ ગાડીઓની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે.
સમગ્ર વર્ષની વાત કરીએ તો ઓટોમોબાઇલ કંપનીએ ૧૬% વધુ ૧૧,૭૮,૨૭૨ યુનિટ વાહનો વેચ્યા છે. ડોમેસ્ટિક વેચાણ પણ સમગ્ર વર્ષમાં ૧૬.૭% વધ્યું છે. ૩૧મી ડિસેમ્બરના રોજ પુરા થતા ત્રિમાસિકગાળામાં ૧૯,૬૪૯ કરોડની આવક થઈ છે,જે વર્ષ અગાઉના આંક કરતા ૩.૮% વધુ છે.
કંપનીના એબીટા ૮.૯% વધી ૨૧૦૨ કરોડ રહ્યાં છે અને એબીટા માર્જિન વાર્ષિક દ્રષ્ટિએ ૩૦ બેસિસ પોઈન્ટ વધીને ૧૦.૧% થયા છે.