મુંબઇ : પાંચ વર્ષની એક માસૂમ છોકરી પર બળાત્કાર કરનાર ૨૯ વર્ષીય એક પુરુષનો અપરાધ મુંબઈ હાઈકોર્ટે માન્ય રાખ્યો છે અને કહ્યું છે કે માસૂમ-સગીર વયની છોકરીઓ પર જાતીય અત્યાચાર કરનારાઓની જરાય દયા ખાવી ન જોઈએ અને એમને અત્યંત કઠોર સજા ફટકારવી જોઈએ.
ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ ચવ્હાણની બનેલી સિંગલ-જજ બેન્ચે સાગર ધુરી નામના અપરાધીએ નોંધાવેલી અપીલને ફગાવી દીધી છે. સાગર ધુરી પર બળાત્કારનો આરોપ મૂકાયો છે અને એક સ્પેશિયલ કોર્ટે ૨૦૧૮ના જૂનમાં ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. ધુરીએ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હાઈકોર્ટે એની અરજીને ફગાવી દીધી છે.
ન્યાયમૂર્તિ ચવ્હાણે કહ્યું કે, આવા ગુનાઓના કેસોમાં કેવો ચુકાદો આપવો જોઈએ એ બહુ સ્પષ્ટ છે. આવી વ્યક્તિઓ સંસ્કારી સમાજ માટે દૂષણ હોય છે. એટલે એમની દયા ખાવી ન જોઈએ અને એમને અત્યંત કઠોર સજા જ ફટકારવી જોઈએ. આ કેસ એવો છે કે એમાં અરજદારને સુધારવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, કારણ કે એ પુખ્ત વયનો છે અને આ પ્રકારના ગુનાનું પરિણામ કેવું ભોગવવું પડે એની તેને બરાબર જાણ હતી.
ફરિયાદી પક્ષના આરોપ અનુસાર, ધુરી થાણે જિલ્લામાં પીડિત છોકરીની પડોશમાં રહેતો હતો. એણે ૨૦૧૫ના એપ્રિલના એ દિવસે પોતાના મોબાઈલ ફોનમાં ગીતો બતાવવાના બહાને છોકરીને પોતાના ઘેર બોલાવી હતી અને પછી એની પર બળાત્કાર કર્યો હતો. પીડિત છોકરી સાથે રમવા માટે તેની એક સહેલી એને શોધતી હતી અને એણે તેને અપરાધી ધુરીના ઘરમાં જોઈ હતી. એણે બાજુમાં જ રહેતી એક મહિલાને એની જાણ કરી હતી. ત્યારબાદ મહિલાઓએ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીને કસ્ટડીમાં પૂરી દીધો હતો. ધુરીના અપરાધ અને એને કરાયેલી સજાને માન્ય રાખતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે અમે સાક્ષીઓનાં નિવેદનો તેમજ પીડિતાએ આપેલા પુરાવા પર આધાર રાખ્યો છે.