મુંબઇ,
પોતાની અનેક માગણીઓના ટેકામાં ઓટોરિક્ષા ડ્રાઈવરો ૯ જુલાઈના મંગળવારથી મુંબઈ, થાણે સહિત સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં બેમુદત હડતાળ પર જવાના છે.
રિક્ષાભાડામાં વધારો કરવા ઉપરાંત ઓલા અને ઉબેર જેવી ખાનગી ટેક્સી કંપનીઓની સેવા ત્વરિત બંધ કરવાની માગણી કરી રહ્યા છે…
રિક્ષાડ્રાઈવરો રિક્ષાભાડામાં વધારો કરવા ઉપરાંત ઓલા અને ઉબેર જેવી ખાનગી ટેક્સી કંપનીઓની સેવા ત્વરિત બંધ કરવાની માગણી કરી રહ્યા છે. આ માગણીઓનો મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વીકાર ન કરાતાં ઓટો ડ્રાઈવરો અને માલિકોના સંગઠનને હડતાળનું એલાન કર્યું છે. પરિણામે ૯ જુલાઈથી મુંબઈમાં રિક્ષાઓ નહીં દોડે.
હાલ ચોમાસું જામ્યું છે ત્યારે રિક્ષાવાળાઓની હડતાળને કારણે મુંબઈવાસીઓની હાલત કફોડી થવાની સંભાવના છે.
રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓ સાથે અનેક વાર બેઠકો યોજવા છતાં માગણીઓ સ્વીકારવામાં ન આવતાં રિક્ષા ડ્રાઈવરો અને માલિકોએ હડતાળ પર જવાનું નક્કી કર્યું છે.
હડતાળમાં મુંબઈ ઉપરાંત પડોશના નવી મુંબઈ, થાણે, પુણે સહિત રાજ્યભરના લાખો રિક્ષાડ્રાઈવરો અને માલિકો જોડાશે. આને કારણે દરરોજ રિક્ષામાં પ્રવાસ કરનારાઓને મુસીબતનો સામનો કરવો પડશે.