રાજકોટ : રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં વધતા જતા કોરોના સંક્રમણથી ચિંતીત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના.મુખ્યમત્રી નીતીન પટેલ સહીત ટોચના અધિકારીઓ આજે સવારે મોરબી-રાજકોટની મુલાકાતે દોડી આવ્યા હતા અને જીલ્લા કલેકટરો સાથે કોરોના બેડ, દવા-ઈન્જેકશન, ઓકસીજન, તબીબો-પેરા મેડીકલ સ્ટાફ સહીતનાં ડઝનબંધ મુદાઓની વિગતો મેળવી, સમીક્ષાઓ કરી જરૂરી સુચનાઓ આપી હતી.
રાજકોટ સહીત રાજયભરમાં છેલ્લા દોઢેક માસથી વધતા જતા કોરોના સંક્રમણ-મોતને લઈ રાજય સરકાર તમામ સ્થિતિ સમીક્ષા કરી જરૂરી કામગીરી કરી રહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ હોટસ્પોટ બની ગયુ છે. સાથોસાથ સિરામીક નગરી મોરબીમાં પણ કોરોનાએ માથુ કાઢયુ છે. હાલમાં મોરબીમાં કોરોના બેડની તિવ્ર અછતની સાથોસાથ પર્યાપ્ત દવા સારવાર તબીબોની પણ ભારે કમી વર્તાઈ રહી છે. મોરબીના અડધાથી વધુ દર્દીઓ હાલ રાજકોટમાં સરકારી-ખાનગી હોસ્પીટલોમાં સારવાર લઈ રહ્યા હોય રાજકોટની ત્રણ સરકારી-ખાનગી હોસ્પીટલો ચિકકાર થઈ ગઈ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગાઉ સુરત જઈ જીલ્લા કલેકટર સહીત ટોચના અધિકારીઓ સાથે કોરોના સ્થિતિની વિગતો મેળવી સમીક્ષા કરી હતી. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીત નીતીન પટેલ, કે.કૈલાસનાથન, મુખ્ય સચીવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચીવ ડો.જયંતિ રવિ સહીત ટોચનાં અધિકારીઓએ મોરબી ખાતે જીલ્લા કલેકટર કચેરીમાં કલેકટર સહીત ટોચના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મોરબી શહેર જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પીટલોમાં કોરોના બેડ વધારવા પર ચર્ચા કરી હતી. સાથો-સાથ રેમીડેસીવર ઈન્જેકશન, દવા તબીબ સ્ટાફ સહીતના મુદ્દે વિગતો મેળવી હતી અને જરૂરી તમામ સુવિધાઓ વધારવા આદેશો કર્યા હતા. દરમ્યાન મોરબી ખાતેની મીટીંગ કર્યા બાદ બપોર બાદ મુખ્યમંત્રી સહીતનો સ્ટાફ રાજકોટ આવી પહોંચ્યો હતો.મુખ્યમંત્રી રાજકોટ આવ્યા બાદ સીધા સરકીટ હાઉસ હંકારી ગયા હતા. અને બાદમા બે વાગ્યે જીલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે સભાખંડ ખાતે કોરોના નોડલ અધિકારી ડો.રાહુલ ગુપ્તા, જીલ્લા કલેકટર રૈમ્યા મોહન, મ્યુ.કમી.ઉદિત અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, મ્યુ.પ્રાદેશીક નિયામક કમી.
સ્તુતિ ચારણ, સિવીલનાં ટોચના તમામ તબીબો, મ્યુ.ડોકટરો, સી.ડી.એચ.ઓ. તમામ પ્રાંત અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. જેમાં રાજકોટમાં કોરોના બેડ કેટલા ઉપલબ્ધ છે? કેટલા વધારવામાં આવ્યા? ખાનગી હોસ્પીટલોમાં કોરોના બેડ, કોરોના દર્દીઓને સારવાર, ઓકસીજન, રેમીડેસીવર ઈન્જેકશનોની ઉપલબ્ધી જરૂરીયાત સહીતના ડઝનબંધ મુદાઓની વિગતો મેળવી સમીક્ષા કરી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી.
બીજી તરફ જીલ્લા કલેકટર રેમ્યા મોહનના જણાવાયા મુજબ આજથી રાજકોટની ખાનગી મેટરનીટી હોસ્પીટલો, નર્સીંગ હોમમાં પણ ૬૦૦ બેડની સગવડતા શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથે આ મુદે પણ ચર્ચા કરી વિગતો અપાઈ હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, અગ્ર સચીવ કે.કૈલાસનાથન, મુખ્ય સચીવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચીવ જયંતિ રવિ પણ જોડાયા હતા અને વિવિધ મુદ્દે સમીક્ષા કરી જરૂરી તમામ સગવડતા વધારવા કોઈ કચાશ નહિં રાખવા સહીતના આદેશો કર્યા હતા.