મેડ ઈન ગુજરાત વિશ્વમાં છવાઈ જશે : રુપાણી
હવે ઉદ્યોગોને ૪.૫૦ રૂપિયા યુનિટ વીજળી મળી શકશે…
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ’સોલાર પાવર પોલિસી ૨૦૨૧’ની જાહેરાત કરી છે. આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આ પોલિસીને કારણે ગુજરાતના નાના અને મોટા ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. આ પોલિસીને કારણે ઉત્પાદન ખર્ચ ઓછો આવશે. નવી પોલિસીથી પાવર કોસ્ટ લગભગ ૪.૫ રૂપિયાની આસપાસ આવશે. હાલ ઉદ્યોગોને આઠ રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી આપવામાં આવી રહી છે. આ પોલીસે આવતાની સાથે ’મેડ ઇન ગુજરાત’ વિશ્વભરમાં છવાશે.
મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે ગુજરાતમાં રજૂ કરવામાં આવેલી આ પોલિસી ભારતની પ્રથમ સોલાર પોલિસી છે. આ પોલિસીના મુખ્ય ત્રણ ફાયદા થશે. આ પોલિસીથી વીજળી ઉત્પાદન ખર્ચ ઓછો થશે. દુનિયામાં ગુજરાતની પ્રૉડક્ટ્સને સ્થાન મળશે અને નાના-મોટા ઉદ્યોગો ધમધમતા થવાથી રાજ્યમાં મોટાપાયે રોજગારી ઊભી થશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલિસી વર્ષ ૨૦૧૫માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલા અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી “ગુજરાત સોલર પાવર પોલિસી ૨૦૨૧” ને અમલમાં મૂકી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નવી પોલિસીનો અભિગમ વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સૌર ઊર્જા-સોલાર એનર્જીના પરિણામે પરંપરાગત ઊર્જા સ્ત્રોત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, ગ્રીન ક્લીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.