પેરિસ : બાર્સેલોનાના સ્ટ્રાઈકર લિયોનલ મેસી ચેમ્પિયન્સ લીગમાં ૩૪ અલગ-અલગ ટીમો સામે ગોલ કરનાર વર્લ્ડનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે બુધવારે એક મુકાબલામાં ડોર્ટમંડ વિરુદ્ધ ગોલ કરીને આ સિદ્ધિ મેળવી હતી. મેસી પહેલા પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને સ્પેનના રાઉલે ૩૩ ટીમો વિરુદ્ધ ગોલ કર્યા હતા.
બાર્સેલોનાએ ચેમ્પિયન્સ લીગના એક મુકાબલામાં બોરૂસિયા ડોર્ટમંડને ૩-૧થી હરાવ્યું હતું. મેચમાં બાર્સેલોના માટે લુઈસ સુઆરેઝ (૨૯મી), મેસી (૩૩મી) અને એન્ટિનો ગ્રીઝમેને (૬૭મી મિનિટે) ગોલ કર્યો હતો. ડોર્ટમંડ માટે જાદોન સાંચોએ ૭૭મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. મેસીના આ બાર્સેલોના માટે ૭૦૦મી મેચ હતી. તેણે સ્પેનિશ ક્લબ માટે અત્યાર સુધીમાં ૬૧૩ ગોલ કર્યા હતા. અત્યારે ચેમ્પિયન્સ લીગમાં બાર્સેલોના ગ્રુપ- એફમાં ૧૧ પોઈન્ટ્સ સાથે ટોપ પર છે.