પેટાચૂંટણી ૨૦૨૨માં યોજાનાર ચૂંટણી પહેલાંનું ટ્રેલર છે…
ગાંધીનગર : રાજ્યમાં પેટાચૂંટણીના પરિણામોનું ચિત્ર ધીમેધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ત્યારે ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી. સીએમ રૂપાણીએ પેટાચૂંટણીના પરિણામ પર પોતાનું નિવેદન આપ્યું છે.
તેમણે જણાવ્યું કે, સર્વત્ર ભાજપનો વિજય થઈ રહ્યો છે. આ ગુજરાતની જનતાનો વિજય છે. બિહારમાં પણ ભાજપ આગળ છે. ભાજપના કાર્યકરોએ કઠિન પરિશ્રમ કર્યો છે આ તેનું પરિણામ છે. ભાજપ સરકારે પ્રજાલક્ષી કામ કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના પ્રજાલક્ષી કામ પર લોકોએ ભરોસો મૂક્યો છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, હવે કોંગ્રેસની કબર પર છેલ્લો ખિલ્લો ઠોકવાની આ છેલ્લી ચૂંટણી છે. કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. ભાજપ સાથે આદિવાસી, મુસ્લિમ સમાજ સાથે રહ્યો છે. ભાજપે જીત નહીં, પણ ભવ્ય જીત મેળવી છે.
સીએમ રૂપાણીએ ઉમેર્યું કે, કોર્પોરેશન, પંચાયત અને ૨૦૨૨ પહેલાનું આ ધમાકેદાર ટ્રેલર છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આ માત્ર ટ્રેલર છે. ડાંગના ઈતિહાસમાં ભાજપને સૌથી મોટી લીડ મળી છે. આવનારા દિવસોમાં હવે ભાજપના ૧૧૧ ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.’
રૂપાણીએ જણાવ્યું કે ‘પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ”