મોદીએ કહ્યું- તેમને અલગ પ્રકારના રાજકારણ માટે હંમેશા યાદ કરવામાં આવશે…
ન્યુ દિલ્હી : પૂર્વ કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સંસ્થાપક સભ્યોમાંથી એક જસવંતસિંહનું નિધન થયું છે. તેઓ ૮૨ વર્ષના હતા અને છેલ્લાં છ વર્ષથી કોમામાં હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં તેમણે ૧૯૯૬ થી ૨૦૦૪ દરમિયાન રક્ષા, વિદેશ અને નાણાં મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. ૨૦૧૪માં ભાજપે સિંહને બાડમેરથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી ન હતી. ગુસ્સે ભરાયેલા જસવંત પાર્ટી છોડીને અપક્ષ તરીકે લડ્યા પણ હારી ગયા. તે જ વર્ષે તેમને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારથી તેઓ કોમામાં હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે લગભગ આઠ વાગ્યે ટિ્વટ કરીને સિંહને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું કે જશવંત સિંહના રાજકારણ અને સમાજ પ્રત્યેના તેમના અનોખા દૃષ્ટિકોણ માટે યાદ કરવામાં આવશે. મોદી સિવાય રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ સિંહના નિધન પર ટ્વીટ કર્યું છે. રક્ષામંત્રી રાજનાથસિંહે લખ્યું કે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જસવંત સિંહના નિધનથી મને ખૂબ દુઃખ થયું છે.
તેમણે રક્ષા મંત્રી સહિત ઘણા મહત્વના હોદ્દા પર દેશની સેવા કરી હતી. મંત્રી અને સાંસદ તરીકેનો તેમનો કાર્યકાળ યાદગાર રહ્યો છે. જસવંત સિંહને તેમને તેમની બૌદ્ધિક ક્ષમતા અને દેશસેવાના શાનદાર રેકોર્ડ માટે યાદ કરવામાં આવશે. તેમણે રાજસ્થાનમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકોના પ્રત્યે સંવેદનાઓ.
અટલ બિહારી વાજપેયી સરકારમાં સિંહ કપડા મંત્રી પણ રહ્યાં હતા. ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ ઈન્ડિયન એરલાઈન્સના ફ્લાઈટ નંબર આઈસી-૮૧૪ને હાઈજેક કરીને અફઘાનિસ્તાનથી કંઘાર લઈ જવામાં આવ્યું હતા. મુસાફરોને બચાવવા માટે ભારત સરકારે ત્રણ આતંકીઓને છોડવાની ફરજ પડી હતી. જે આતંકીઓને છોડવામાં આવ્યા હતા,તેમાં મુશ્તાક અહમદ જરગર, અહમદ ઉમર સઈદ શેખ અને મૈલાના મસૂદ અઝહર સામેલ હતા. આ આતંકીઓને લઈને જસવંત સિંહ કંઘાર ગયા હતા. ૧૯૯૮માં પરમાણુ પરીક્ષણ પછી અમેરિકાએ ભારત પર સખ્ત પ્રતિબંધ લગાવ્યા હતા. ત્યારે જસવંતે જ અમેરિકા સાથે વાતચીત કરી હતી. ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી.
૨૦૧૨માં ભાજપે તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા, જોકે તેમને યુપીએના હામિદ અંસારીના હાથે હારનો સામનો કરવા પડ્યો હતો. જસવંતે તેમના પુસ્તકમાં મુહમ્મદ અલી ઝીણાની પ્રશંસા પણ કરી. ભાજપે તેમને પાર્ટીમાંથી કાઢી નાખ્યા હતા. ૨૦૧૦માં તેઓ ફરીથી ભાજપમાં પરત ફર્યા. ૨૦૧૪માં તેમને ભાજપે લોકસભાની ચૂંટણીની ટિકિટ ન આપી. તેમની બાડમેર સીટ પરથી ભાજપે કર્નલે સોનારામ ચૌધરીને ઉતાર્યા હતા. તે પછી ફરીથી જસવંતે ભાજપ છોડી દીધી હતી. અપક્ષ તરીકે ચૂંટલી લડી હતી પરંતુ હારી ગયા હતા. આ વર્ષે તેમને માથમાં વાગ્યું હતું. તે પછીથી જસવંત કોમામાં હતા.