હવે ૪૨% વસ્તીવાળા ૧૬ રાજ્યમાં તેની સરકાર…
ન્યુ દિલ્હી : ઝારખંડ પણ ભાજપના હાથમાંથી સત્તા નિકળતુ જણાય છે. આ સાતમું એવું રાજ્ય છે કે જ્યાં ભાજપના નેતૃત્વવાળી એનડીએએ છેલ્લા બે વર્ષમાં સત્તા ગુમાવી છે. ડિસેમ્બર, ૨૦૧૭માં એનડીએ ખૂબ જ સારી સ્થિતિમાં હતું. ભાજપ અને તેના સહયોગી પક્ષ સત્તા પર હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા મધ્ય ક્ષેત્રના રાજ્યોમાં તેની સરકાર હતી. બિહારમાં નીતિશ કુમાર આરજેડીના મહાગઠબંધનને છોડી એનડીએમાં આવી ગયા ગયા હતા અને ઉત્તર પ્રદેશમાં ભાજપે વિક્રમજનક બેઠકો સાથે સરકાર બનાવી હતી. ૭૨% વસ્તી અને ૭૫% ભૂપ્રદેશ ધરાવતા ૧૯ રાજ્યોમાં એનડીએની સરકાર હતી.ઝારખંડમાં સત્તા ગુમાવ્યા બાદ હવે એનડીએ પાસે ૧૬ રાજ્યમાં સરકાર છે. આ રાજ્યોમાં ૪૨% વસ્તી વસવાટ કરે છે.
ડિસેમ્બર,૨૦૧૭માં એનડીએ પાસે ૧૯ રાજ્ય હતા. એક વર્ષ બાદ ભાજપના મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢમાં સત્તા ગુમાવી. અહીં હવે કોંગ્રેસની સરકાર છે. ચોથુ રાજ્ય આંધ્ર પ્રદેશ છે, જ્યાં ભાજપ-ટીડીપી ગઠબંધનની સરકાર હતી. માર્ચ, ૨૦૧૮માં ટીડીપીએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું. ૨૦૧૯માં વિધાનસભા ચૂંટણીમાં અહીં વાયએસઆર કોંગ્રેસની સરકાર આવી. પાંચમું રાજ્ય મહારાષ્ટ્ર છે, જ્યાં ચૂંટણી બાદ શિવસેનાએ એનડીએનો સાથ છોડ્યો અને તાજેતરમાં કોંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવી છે. છઠ્ઠુ રાજ્ય જમ્મુ-કાશ્મીર છે, જ્યાં જૂન, ૨૦૧૮માં ભાજપે પીડીપી સાથે જોડાણ તોડ્યુ હતું. અહીં પહેલા રાજ્યપાલ બદલ્યા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. હવે આ વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત થઈ ગયો છે. તેમા જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની બાકી છે. લદ્દાખને વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. સાતમુ રાજ્ય હવે ઝારખંડ છે. અહીં કોંગ્રેસ-ઝારખંડ મુક્તિ મોરચો-આરજેડીના નેતૃત્વવાળી મહાગઠબંધનને જીત મળતી દેખાય છે.
ભાજપે આ સાત રાજ્યમાં સત્તા ગુમાવી છે, પરંતુ કર્ણાટક, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં સરકાર બનાવી છે. તેમા કર્ણાટક મોટું રાજ્ય છે. બાકી રાજ્ય નાના છે. માટે ૭૨ ટકાને બદલે દેશની ૪૨ ટકા વસ્તીવાળા રાજ્યોમાં જ એનડીએ શાસન છે.
ભાજપ વિરોધી પક્ષોની ૧૨ રાજ્યમાં સરકારો, આ પૈકી કોંગ્રેસ પાસે ૬ રાજ્ય…
કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, પુડુચેરીમાં સત્તામાં છે. ઝારખંડમાં સરકાર બનવાના સંજોગોમાં ૭માં રાજ્યમાં સરકાર બનશે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી, પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ, કેરળમાં ડાબેરીના નેતૃત્વવાળુ ગઠબંધન,આંધ્રપ્રદેશમાં રૂજીઇ કોંગ્રેસ, ઓડિશામાં બીજેડી તથા તેલંગાણામાં ટીઆરએસ સત્તામાં છે.
અન્ય એક રાજ્ય તામિલનાડુ છે, જ્યાં ભાજપે અન્નાદ્રમુક સાથે લોકસભા ચૂંટણી તો લડી હતી, પરંતુ રાજ્યમાં તેનો એક પણ ધારાસભ્ય નથી. માટે ત્યાં તે સત્તામાં ભાગીદાર નથી.